ભગવાન બિરસા મુંડાની 150મી જન્મજયંતિ વર્ષ નિમિત્તે ગુજરાત રાજ્યમાં જનજાતીય ગૌરવ વર્ષ ઉત્સવની ઉજવણી કરવામાં આવી રહી છે, જેના ભાગરૂપે ઉમરગામથી નીકળેલી જનજાતિય ગૌરવયાત્રા તા. 12 નવેમ્બરના રોજ નર્મદા સુગર ફેકટરી ધારીખેડા ખાતે આવી પહોંચતા સ્વાગત કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ રમત ગમત, યુવા સાંસ્કૃતિક વિભાગ રાજ્યકક્ષાના મંત્રી ડો. જયરામભાઈ ગામીત અને ગુજરાત વિધાનસભા નાયબ દંડક ડાંગના ધારાસભ્ય વિજયભાઈ પટેલ ઉપસ્થિત રહ્યા હતા.


આ વેળાએ રાજ્યકક્ષાના મંત્રી ડો. જયરામભાઈ ગામીતે જણાવ્યું હતું કે, ભગવાન બિરસા મુંડાએ માત્ર 25 વર્ષની ઉંમરે અંગ્રેજો સામે લડત આપી આદિવાસી સમાજને એકતા અને ગૌરવની દિશા બતાવી હતી. તેમણે સમાજમાં શિક્ષણનો પ્રચાર, અંધશ્રદ્ધાનો વિરોધ અને સામાજિક એકતા માટે અનેક ચળવળો શરૂ કરી હતી. તેથી તેમને ધરતી આબા તરીકે ઓળખવામાં આવે છે.વધુમાં જણાવ્યું કે, દેશની આઝાદી માટે મહત્વપૂર્ણ યોગદાન આપનાર એવા આદિવાસી લડવૈયાઓની સ્મૃતિમાં વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ ગુજરાતના મુખ્યમંત્રી તરીકેના સમયગાળામાં બિરસા મુંડા ભવનનું નિર્માણ કરાવ્યું હતું. તેવી જ રીતે, નર્મદા જિલ્લામાં પણ ભગવાન બીરસા મુંડાના નામે યુનિવર્સિટી સ્થાપવામાં આવી છે.ડાંગના ધારાસભ્ય વિજયભાઈ પટેલે જણાવ્યું હતું કે, ભગવાન બિરસા મુંડાએ અંગ્રેજોના શાસન સામે આદિવાસી સમાજને એકતાબદ્ધ કરીને લડત આપી હતી. સમાજજાગૃતિ માટે અનેક આંદોલનો ચલાવી અંધશ્રદ્ધા અને અન્યાય સામે જનચેતના ફેલાવી હતી.કાર્યક્રમની શરૂઆતમાં ગાંધીનગરના નાટય કલાકારો દ્વારા ભગવાન બિરસા મુંડાના જીવન પર નાટયકૃતિ રજૂ કરવામાં આવી હતી. જ્યારે સ્થાનિક કલાકારો દ્વારા આદિવાસી નૃત્ય રજુ કરાયા હતાં. જનજાતિય ગૌરવ યાત્રા કાર્યક્રમ દરમિયાન નાંદોદ તાલુકાની અકુવાડા ગ્રામ પંચાયતમાં અંદાજિત રકમ 24.30 લાખના ખર્ચે 19 જેટલા કામોનું ખાતમુહૂર્ત થયું અને અંદાજિત રકમ 59.16 લાખના ખર્ચે 44 જેટલા કામોનું લોકાર્પણ થયું. અત્રે ઉલ્લેખનીય છે કે, તા. 7 નવેમ્બરે 2025 ના રોજ ઉમરગામથી શરૂ થયેલી યાત્રા આજ રોજ એકતાનગર ખાતે સમાપન થઇ હતી.


  • Follow us on: