ભરૂચના રેલવે ગોદી વિસ્તારમાંથી એક અત્યંત આશ્ચર્યજનક અને ચકચાર મચાવનારો બનાવ સામે આવ્યો છે. આ વિસ્તારમાં આવેલી ગટર કાંસમાં એક આખલો ખાબક્યો હોવાથી તેને સલામત રીતે બહાર કાઢવાની કામગીરી ચાલી રહી હતી. આ રેસ્ક્યૂ કામગીરી દરમિયાન ગટર કાંસની અંદરથી અચાનક એક માનવ કંકાલ મળી આવતાં સ્થળ પર હાજર તમામ લોકો ચોંકી ઊઠ્યા હતા. આ ઘટનાની જાણ થતાં જ ઘટનાસ્થળે લોકોના ટોળાં ઉમટી પડ્યા હતા અને સમગ્ર વિસ્તારમાં ભારે ચકચાર મચી ગઈ હતી.
સ્થાનિકોમાં તર્ક-વિતર્ક અને રેલવે પોલીસ સ્થળ પર
ગટરમાંથી માનવ કંકાલ મળી આવવાની ઘટનાને પગલે સ્થાનિક રહીશોમાં જાત-જાતના તર્ક-વિતર્કો અને આશંકાઓ સેવાઈ રહી છે. બનાવ અંગે ત્વરિત રેલવે પોલીસને જાણ કરવામાં આવતાં પોલીસ કાફલો ઘટનાસ્થળે દોડી આવ્યો હતો. પોલીસે સ્થળ પર પહોંચીને પરિસ્થિતિનો તાગ મેળવ્યો હતો અને માનવ કંકાલને પોતાના કબજામાં લઈને જરૂરી કાયદેસરની પ્રાથમિક કાર્યવાહી હાથ ધરી હતી.
