ભાવનગરમાં ખાણ-ખનીજ વિભાગના અધિકારીઓની રેકી કરીને ખનીજ માફિયાઓને લોકેશન મોકલવાના એક સનસનીખેજ કિસ્સામાં પોલીસે ત્રણ આરોપીઓની ધરપકડ કરી છે. આ મામલે શહેરના ઘોઘારોડ પોલીસ સ્ટેશનમાં ભૂસ્તરશાસ્ત્રી દ્વારા ફરિયાદ નોંધાવવામાં આવી હતી. આ આરોપીઓ છેલ્લા ઘણા સમયથી ખાણ-ખનીજ વિભાગના અધિકારીઓની ગતિવિધિઓ પર નજર રાખી રહ્યા હતા.
ભાવનગર પોલીસમથકમાં ભુસ્તરશાસ્ત્રીની ફરિયાદ
તેઓ અધિકારીઓની કારના નંબર, તેમના લોકેશન અને મુવમેન્ટની માહિતી એક સોશિયલ મીડિયા ગ્રુપમાં મૂકી દેતા હતા. જેથી ખનીજ માફિયાઓ તે મુજબ પોતાની ગેરકાયદેસર પ્રવૃત્તિઓ ચાલુ રાખી શકે. આ રીતે તેઓ ખનીજ માફિયાઓ પાસેથી પૈસા ઉઘરાવતા હોવાનું પણ સામે આવ્યું છે. ભૂસ્તરશાસ્ત્રી દ્વારા 28 ઓગસ્ટના રોજ આ મામલે ફરિયાદ નોંધાવવામાં આવ્યા બાદ ઘોઘારોડ પોલીસે તાત્કાલિક કાર્યવાહી હાથ ધરી હતી.













