ભાવનગર શહેરમાં જર્જરિત બાંધકામોની સમસ્યાએ ફરી એકવાર જીવ લીધો છે. ગત મોડી રાત્રે શહેરના આનંદનગર વિસ્તારમાં એક જુની અને જર્જરિત ઈમારતનો એક ભાગ અચાનક ધસી પડવાની દુર્ઘટના બની હતી. આ દુર્ઘટનામાં કાટમાળ નીચે દબાઈ જતાં ત્રણ લોકો દબાયા હતા, જેમાંથી એક યુવકનું કરુણ મોત નીપજ્યું છે. બનાવ આનંદનગર વિસ્તારમાં આવેલા ગુણાતીત નગર ખાતે બન્યો હતો, જ્યાં એક ત્રણ માળીયા (ત્રણ માળ) ની જર્જરિત બિલ્ડિંગનો મોટો ભાગ અચાનક ધરાશાયી થયો હતો. રાત્રિના સમયે બનેલી આ ઘટનાને કારણે આસપાસના વિસ્તારમાં ગભરાહટનો માહોલ ફેલાઈ ગયો હતો અને ઘટનાસ્થળે લોકોના મોટા ટોળાં એકઠા થઈ ગયા હતા.
ભાવનગરમાં જર્જરિત બિલ્ડિંગનો ભાગ તૂટતા 1નું મોત
દુર્ઘટનાની જાણ થતાં જ વહીવટી તંત્ર અને બચાવ ટીમો તાત્કાલિક હરકતમાં આવી હતી. ફાયર બ્રિગેડ, 108 એમ્બ્યુલન્સ, પોલીસ અને PGVCL (વીજ કંપની) ની ટીમો તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવી હતી.ફાયર બ્રિગેડની ટીમે યુદ્ધના ધોરણે બચાવ કામગીરી શરૂ કરી હતી. કાટમાળ નીચે દટાયેલા લોકોને બહાર કાઢવા માટે રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. ભારે જહેમત બાદ કાટમાળ નીચે દબાયેલા ત્રણેય લોકોને બહાર કાઢવામાં આવ્યા હતા, પરંતુ તેમાંથી એક યુવકનું ગંભીર ઈજાઓને કારણે કરુણ મોત નિપજ્યું હતું. અન્ય ઈજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.










