દિવાળીના તહેવારો નજીક આવતા જ ભાવનગર જિલ્લામાં ચાઇનીઝ ફટાકડા જેવી 'PVC કાર્બાઇડ ગન્સ' ના ઉપયોગ પર સંપૂર્ણ નિયંત્રણ મૂકતું જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ દ્વારા જાહેર હિતમાં આ તાત્કાલિક નિર્ણય લેવામાં આવ્યો છે, જે અંતર્ગત આ પ્રકારની ગન્સના ખરીદ-વેચાણ, સંગ્રહ અને ઉપયોગ પર પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો છે.


અધિક જિલ્લા મેજીસ્ટ્રેટે જાહેરનામું બહાર પાડયું 

આ જાહેરનામું બહાર પાડવા પાછળનું મુખ્ય કારણ આ ગન્સની ગંભીર જોખમી અસરો છે. આ ગન વાસ્તવમાં દેશી બનાવટની હોય છે, જેમાં કેલ્શિયમ કાર્બાઇડ નામનો જ્વલનશીલ પદાર્થ નાખીને ફટાકડાની જેમ બ્લાસ્ટ કરવામાં આવે છે. કેલ્શિયમ કાર્બાઇડના કારણે એસીટીલીન (Acetylene) નામનો ગેસ ઉત્પન્ન થાય છે, જે અત્યંત ખતરનાક છે.


આંખો માટે ગંભીર જોખમ

આ એસીટીલીન ગેસ આંખોમાં તીવ્ર બળતરા પેદા કરે છે અને આંખની કીકીને કાયમી નુકસાન પહોંચાડી શકે છે. આ ગનના ઉપયોગથી નાના બાળકોની આંખોમાં ગંભીર અને કાયમી ખોડખાપણ થવાના તેમજ કાયમી અંધાપો આવવાના કિસ્સાઓ ભૂતકાળમાં બન્યા છે. બ્લાસ્ટ થયા બાદ નીકળતો ધુમાડો પણ એટલો જ ખતરનાક હોય છે.


તાજેતરમાં જથ્થો ઝડપાયો

 જાહેરનામું બહાર પાડતા પહેલા, ભાવનગરમાં ગઈકાલે SOG પોલીસે PVC કાર્બાઇડ ગનનો મોટો જથ્થો ઝડપી પાડ્યો હતો. મહારાષ્ટ્રના સાલીક ઉત્તમ બેલદાર નામના વ્યક્તિ પાસેથી ભાવનગર શહેરમાં દેશી બનાવટની આ ગન વેચતો હતો, જેની પોલીસે ધરપકડ કરી વધુ કાર્યવાહી હાથ ધરી છે.આ જોખમી ગતિવિધિને રોકવા માટે અધિક કલેક્ટરે તાત્કાલિક અસરથી આ ગનની ખરીદી, વેચાણ અને સંગ્રહ તથા તેના ઉપયોગ ઉપર નિયંત્રણો ફરમાવ્યા છે. આ જાહેરનામાનો ભંગ કરનાર કોઈ પણ વ્યક્તિ કે વેપારી સામે હવે કાયદેસરની સખત કાર્યવાહી કરવામાં આવશે, જેથી માસૂમ બાળકોના સ્વાસ્થ્ય અને સુરક્ષાની જાળવણી કરી શકાય.

  • Follow us on: