તળાજા તાલુકાના પાવઠી ગામે બે સગા ભાઈ-બહેનના આજે મોટરકારમા ગુંગળાઇ જવાના કારણે મોત નિપજ્યા છે. બપોર બાદ રમવા નીકળેલ બાળકો સાંજસુધી ઘરે પરત ન ફરતા પરિવાર જનો દ્વારા શોધખોળ હાથ ધરવામાં આવતા મકાન માલિકની મોટર કારમા બેભાન થયેલા બાળકો મળી આવ્યા હતા. જેને તળાજા રેફરલ હોસ્પિટલમાં લાવવામાં આવતા બંને ને તબીબે મૃત જાહેર કર્યા હતા. બંને બાળકો મોટરકારમાં રમવા દાખલ થયા હશે અને તેમના લોક થઇ ગયેલ કારનો દરવાજો ખુલી શક્યો ન હોવાથી આ કરૂણ ઘટના બની હોવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે. આ ઘટનાના પગલે શોકનું મોજુ ફરી વળ્યું હતું.
તળાજાના પાવઠી ગામે બટુકભાઈ હમીરભાઈ ઝીંઝાળા ના મકાનમાં ભાડે રહેતા અને પીથલપુર ગામે રત્નકલાકાર તરીકે કામ કરતા દિપક જયસુખભાઈ સોઢાતર ની ધો.1 મા અભ્યાસ કરતી દીકરી તન્વી (ઉ.વ.6) અને ગામની આંગણવાડીમા જતો દીકરો હિત (ઉ.વ.4) બંને ભાઈ બહેનના મકાન માલિકની ફોર વ્હીલમા ગુંગળાઇ જવાના કારણે મોત નિપજ્યા હતા.










