ભાવનગરમાં ભ્રષ્ટાચારના એક મોટા મામલામાં વહીવટી તંત્ર દ્વારા અત્યંત કડક કાર્યવાહી કરવામાં આવી છે. ભાવનગર જિલ્લા સહકારી બેંકમાં ચાલતી ગેરરીતિઓ સામે લાલઆંખ કરીને બેંકના ચેરમેન રસિક ભીંગરડીયા અને વાઇસ ચેરમેન કે સી ધાંધલાને તાત્કાલિક અસરથી હોદ્દા પરથી છૂટા કરી દેવામાં આવ્યા છે. આ ઉપરાંત બેંક સાથે સંકળાયેલા અન્ય બે ઉચ્ચ હોદ્દેદારોને પણ ઘરભેગા કરાયા છે

ચેરમેન રસિક ભીંગરડીયાને ઘેરભેગા કરાયા

ભાવનગર જિલ્લા સહકારી બેંકમાં ભ્રષ્ટાચાર અને ગેરરીતિઓનો અત્યંત મોટો મામલો સામે આવ્યો છે. આ નાણાકીય અનિયમિતતાઓને લઈને સમગ્ર જિલ્લાના સહકારી ક્ષેત્રમાં ભારે ચકચાર મચી જવા પામી છે. આ ગંભીર કેસમાં બેંક સાથે સંકળાયેલા ચાર જવાબદાર લોકોને તાત્કાલિક ઘરભેગા કરી દેવાયા છે. જેમાં સહકારી બેંકના ચેરમેન રસિક ભીંગરડીયાને તાત્કાલિક અસરથી તેમના પદ પરથી છૂટા કરાયા છે. તેમની સાથે બેંકના વાઇસ ચેરમેન કે સી ધાંધલાને પણ હોદ્દા પરથી દૂર કરી દેવામાં આવ્યા છે. વહીવટી કામગીરી સાથે જોડાયેલા બેંકના સીઈઓ આર ડી સરવૈયાને પણ તાત્કાલિક ઘરભેગા કરવામાં આવ્યા છે. આ ઉપરાંત બેંકના મેનેજર જે કે કેવડિયાને પણ હોદ્દા પરથી દૂર કરીને છૂટા કરી દેવાયા છે.

7 કરોડ જેટલી માતબર રકમનું સાયબર ફ્રોડ આચરવામાં આવ્યું

આ તમામ લોકો સામે કરવામાં આવેલી કડક કાર્યવાહી પાછળ સાયબર ફ્રોડ મુખ્ય કારણ ગણાવાઈ રહ્યું છે. બેંકમાંથી આશરે રૂ. 7 કરોડ જેટલી માતબર રકમનું સાયબર ફ્રોડ આચરવામાં આવ્યું હોવાનું સામે આવ્યું હતું. આટલા મોટા સાયબર ફ્રોડની વિગતો બહાર આવતા જ સમગ્ર બેંકિંગ આલમમાં મોટો ખળભળાટ મચી ગયો હતો. સાયબર ફ્રોડની આ ગંભીર ઘટના બાદ જવાબદાર અધિકારીઓ અને પદાધિકારીઓ સામે તાત્કાલિક કાર્યવાહી શરૂ કરવામાં આવી હતી. આ રૂ. 7 કરોડના ફ્રોડના પગલે ચારેય મુખ્ય હોદ્દેદારોને તાત્કાલિક અસરથી મુક્ત કરી દેવામાં આવ્યા છે.

મોટા પાયે ભરતી કૌભાંડ થયું હોવાની ચોંકાવનારી માહિતી

બીજી તરફ, બેંકમાં મોટા પાયે ભરતી કૌભાંડ થયું હોવાની ચોંકાવનારી માહિતી પણ બહાર આવી રહી છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, બેંકમાં ભરતી કરવા માટે લાખો રૂપિયા લીધા હોવાનો ગંભીર આરોપ મૂકવામાં આવ્યો છે. સૂત્રોના દાવા મુજબ ભરતી કૌભાંડના કારણે પણ આ તમામ હોદ્દેદારોને તાત્કાલિક છૂટા કરવામાં આવ્યા હોવાની વિગતો છે. ભરતી માટે નાણાં લીધા હોવાના આક્ષેપો સામે આવ્યા બાદ આ આકરાં પગલાં ભરવામાં આવ્યા હોવાનું કહેવાય છે. આમ, ભાવનગર જિલ્લા સહકારી બેંકમાં ભ્રષ્ટાચાર અને નાણાકીય ગોટાળા સામે આ સૌથી મોટી કાર્યવાહી કરવામાં આવી છે. 


આ પણ વાંચો :  Amit Shahનો હૂંકાર, 2029માં પ્રચંડ હારનો સામનો કરવા તૈયાર રહે રાહુલ