ભાવનગરમાં ભારે વરસાદે તબાહી મચાવી છે. વરસાદમાં રોગચાળાનું પ્રમાણ વધતું હોય છે. વરસાદી સિઝનમાં ભાવનગરમાં ડેન્ગ્યુ અને મેલેરિયા તેમજ ટાઈફોઈડ ઉપરાંત ચાંદીપુરા વાયરસના કેસ પણ વધ્યા છે. ચાંદીપુરા વાયરસ ના સંશોધન માટે ICMRની ટિમ અત્યારે ભાવનગર પહોંચી છે. આ ટીમમાં સામેલ 5 વૈજ્ઞાનિકો અને લાયઝન ઓફિસર દ્વારા ચાંદીપુરા વાયરસ કેસ સંબંધિત બાબતોની વિગતે તપાસ કરાશે.
ચાંદીપુરા વાયરસનો વધ્યો પ્રકોપ
રાજ્યમાં ચાંદીપુરા વાયરસનો કહેર વધી રહ્યો છે. આ વાયરસનો પ્રકોપ વધતા હાલમાં ઉચ્ચસ્તરે તપાસ શરૂ થઈ છે. ઇન્ડિયન કાઉન્સિલ ઓફ રિસર્ચના 5 વૈજ્ઞાનિકો ની ટિમ દ્વારા મેડિકલ કોલેજ અને સિવિલ હોસ્પિટલની મુલાકાત લીધી. આ ઉપરાંત આજે આ ટીમે જિલ્લાના પ્રાથમિક અને સામુહિક આરોગ્ય કેન્દ્રોની પણ મુલાકાત લેશે. જો કે ભાવનગરમાં હાલ કોઈ ચાંદીપુરાના કેસ નોંધાયા નથી. પરંતુ રિસર્ચ ટીમ હાલમાં ભાવનગર,રાજકોટ,પંચમહાલ, જિલ્લાની મુલાકાત લઈ સસ્પેકટેડ કેસોનું સ્ટડી કરશે.
ચાંદીપુરા વાયરસના લક્ષણો
ચાંદીપુરા વાયરસના કેસોમાં દર્દીને તાવ આવે છે, ઉલટી થાય, શ્વાસમાં તકલીફ પડે, મગજનો તાવ આવે જેવા લક્ષણો જોવા મળે છે. આ રોગમાં કયારેક દર્દી કોમામાં પણ જઇ શકે છે. આ રોગના મોટાભાગના લક્ષણો અન્ય વાયરસ જેવા હોવાથી પ્રાથમિક તબક્કે રોગની ઓળખ કરવામાં મુશ્કેલી પડતી હોય છે. જોકે ચાંદીપુરા વાયરસ મોટાભાગે 10 વર્ષની નીચેના બાળકોમાં જ જોવા મળે છે. આ વાયરસ ખૂબ જ જીવલેણ છે, જેથી તેનો ભોગ બનેલાને જલદીથી ટ્રીટમેન્ટ મળવી જરૂરી છે. જણાવી દઈએ કે જૂન મહિનાના અંતમાં રાજ્યમાં પંચમહાલમાં શહેરા, ગોધરા અને હોલાલ તાલુકામાં વાયરલ ઈન્ફેક્શનનો કહેર જોવા મળ્યો છે. આ વાયરસના ઈન્ફેક્શનને કારણે ત્રણ બાળકોના મોત નિપજ્યાં હતા.
ભાવનગરમાં વરસાદે મચાવી તબાહી
છેલ્લા 24 કલાકમાં ભાવનગર જિલ્લામાં 2 તાલુકામાં 1 ઇંચથી વધુ વરસાદ ખાબક્યો. ધોધમાર વરસાદનું જોર રહેતા રસ્તાઓ પર વહેતી નદી જેવા દ્રશ્યો સર્જાયા છે. વરસાદી પાણી ભરાતા વિસ્તારો જળબંબાકાર થતા ઘરોમાં પાણી ઘૂસ્યા. ભારે વરસાદના કારણે ગારિયાધાર પંથકમાં ચોમલ ગામમાં એક યુવક ધસમસતા પાણીના પ્રવાહમાં તણાયો. બાઈક પર જતાં યુવક પાણીમાં તણાતા સ્થાનિક તરવૈયા દ્વારા બચાવવાનો પ્રયાસ કરાયો. છતાં પાણીમાં ડૂબવાાન કારણે યુવકનું મોત થયાનું સામે આવ્યું છે.









