ભાવનગર અને રાજકોટ હાઈવે પરથી અકસ્માતના એક અત્યંત દુઃખદ અને હૃદયદ્રાવક સમાચાર સામે આવ્યા છે. ભાવનગર-રાજકોટ હાઈવે પર સિહોર નજીક આવેલ દાદાની વાવ વિસ્તારમાં એક ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. પૂરઝડપે દોડતી ભાવનગર-રાજકોટ રૂટની એસ.ટી. બસ અને એક ટુ-વ્હીલર વચ્ચે થયેલી આ ભયાનક ટક્કરમાં ટુ-વ્હીલર પર સવાર એક યુવાનનું ઘટનાસ્થળ પર જ કમકમાટીભર્યું મૃત્યુ નીપજ્યું હતું. આ અકસ્માત એટલો જોરદાર હતો કે વાહનના ફૂરચા ઉડી ગયા હતા.

ઘટનાસ્થળે લોકોના ટોળા ઉમટ્યા

આ દુર્ઘટનામાં જીવ ગુમાવનાર યુવાનની ઓળખ 18 વર્ષીય યુવરાજજી વીરાજી ચૌહાણ તરીકે થઈ છે. યુવાન વયે જ દીકરાનું અચાનક અકસ્માતમાં અવસાન થવાના સમાચાર મળતા જ તેના પરિવાર પર આભ ફાટી પડ્યું હતું અને પરિવારજનોમાં ભારે શોક વ્યાપી ગયો હતો. અકસ્માતના આ બનાવની જાણ થતાં જ આસપાસના વિસ્તારમાંથી મોટી સંખ્યામાં લોકો અને સ્થાનિક પોલીસ કાફલો ત્વરિત ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. પોલીસ દ્વારા મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડવાની તજવીજ હાથ ધરવામાં આવી હતી.

હાઈવે પર સર્જાયો ટ્રાફિક જામ

આ ગમખ્વાર અકસ્માતને કારણે ભાવનગર-રાજકોટ હાઈવે પર થોડા સમય માટે ભારે ટ્રાફિક જામ સર્જાયો હતો, જેના કારણે આવનજાવન કરતા વાહનચાલકો અટવાયા હતા. પોલીસે ત્વરિત કામગીરી કરીને હાઈવે પર જામેલા વાહનોની ભીડને હટાવીને ટ્રાફિક વ્યવહાર પૂર્વવત કરાવ્યો હતો. એસ.ટી. બસ અને ટુ-વ્હીલર વચ્ચે કઈ ભૂલના કારણે આ અકસ્માત સર્જાયો તે અંગે પોલીસે ગુનો નોંધીને વધુ તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.

આ પણ વાંચો : Ambajiમાં મોટો અકસ્માત! રાજકોટના પરિવારની ટેમ્પો ટ્રાવેલર ખીણમાં પલટી, પોલીસ અને પ્રશાસન દોડી આવ્યું