ભાવનગરના ચકચારી ઝેરી લઠ્ઠાકાંડમાં દર્દીઓના મોતોનો સિલસિલો અટકવાનું નામ નથી લઈ રહ્યો. આજે એક જ દિવસમાં વધુ 4 લોકોના મોતના સમાચાર સામે આવતા સમગ્ર રાજ્યમાં હાહાકાર મચી ગયો છે. આજે દિવસ દરમિયાન ભાવનગરની સર ટી હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા 3 દર્દીઓ અને સુરતમાં સારવાર હેઠળના 1 દર્દી મળીને કુલ 4 લોકોએ સારવાર દરમિયાન દમ તોડી દીધો છે.
ગાયત્રીનગરના મુકેશભાઈનું સારવારમાં મોત
તાજેતરમાં ગાયત્રીનગર વિસ્તારમાં રહેતા અને ઝેરી દારૂની ગંભીર અસર હેઠળ આવેલા મુકેશભાઈ નામના દર્દીની હોસ્પિટલમાં તબિયત વધુ લથડી હતી. તબીબોની ભારે જહેમત છતાં ગંભીર ઝેરી અસરના કારણે મુકેશભાઈનું પણ ટૂંકી સારવાર બાદ મોત નીપજ્યું છે. ભાવનગર લઠ્ઠાકાંડનો ભોગ બનેલા પરિવારોમાં આક્રંદ અને ભારે રોષની લાગણી વ્યાપી ગઈ છે. હાલ 80 દર્દીઓની સારવાર હોસ્પિટલમાં ચાલી રહી છે.
