ગુજરાત રાજ્યના કેબિનેટ કૃષિ, પશુપાલન અને મત્સ્ય ઉદ્યોગ મંત્રી જીતુ વાઘાણીએ તેમની નવી જવાબદારી સંભાળ્યા બાદ આજે તેમના વતન ભાવનગરમાં આગમન કર્યું હતું. ભાવનગરની નારી ચોકડી ખાતે તેમનું ઉમળકાભેર સ્વાગત કરવામાં આવ્યું હતું અને ત્યાંથી ભવ્ય બાઇક રેલી સ્વરૂપે તેમની સ્વાગત યાત્રાનું પ્રસ્થાન થયું હતું.
કૃષિ મંત્રીનું ભાવનગરમાં ભવ્ય સ્વાગત
આ ભવ્ય સ્વાગત બાદ કેબિનેટ કૃષિ મંત્રી જીતુ વાઘાણીએ એક મહત્વપૂર્ણ અને આક્રમક નિવેદન આપતા રાજ્યમાં ભેળસેળ અને ડુપ્લિકેશનનો ધંધો કરનારાઓને સખત ચેતવણી આપી હતી. તેમણે સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું હતું કે, "જે પ્રમાણે ડુપ્લીકેશન ખાતર-બિયારણ તેમજ અન્ય જે દૂધની મિલાવટ કરતા હોય, તેઓ ચેતી જજો. કાયદાની ઝપટમાં આવી જશો તો તમે છૂટશો નહીં. જરૂર પડશે તો તેના માટે વધુ સખત કાયદો પણ બનાવીશું."
સરકારે જે જવાબદારી સોંપી
મંત્રી વાઘાણીએ ભારપૂર્વક જણાવ્યું હતું કે, સરકારે જે જવાબદારી સોંપી છે, તે નિભાવવામાં તેઓ ક્યારેય પાછા પડ્યા નથી અને ભવિષ્યમાં પણ ક્યારેય પાછા પડશે નહીં. સેવાના કામ માટે હંમેશા તત્પર રહેવાની ખાતરી આપતા તેમણે કહ્યું હતું કે, "લોકોનું જીવન તંદુરસ્ત બને, પશુપાલન, મત્સ્ય ઉદ્યોગ અને માછીમારોનું વધારે કલ્યાણ થાય, તે દિશામાં હું કામ કરીશ.
નારી ચોકડી સર્કલથી શરૂ થયેલી બાઇક રેલી
તેમણે ઉમેર્યું હતું કે તેઓ ખેતી ક્ષેત્રે ખેડૂતોનું કલ્યાણ થાય તે દિશા તરફ આગળ વધીને નિર્ણાયક પગલાં ભરશે. વતન ભાવનગર પરત ફરતા જ નારી ચોકડી સર્કલથી શરૂ થયેલી બાઇક રેલી દ્વારા તેમના સમર્થકો અને કાર્યકરોએ તેમનું ભવ્ય અને ઉત્સાહભેર સ્વાગત કર્યું હતું. જીતુ વાઘાણીના આ નિવેદનથી સ્પષ્ટ સંકેત મળે છે કે, આગામી સમયમાં કૃષિ અને પશુપાલન ક્ષેત્રે ડુપ્લિકેશન અને ભેળસેળ કરનારાઓ સામે સરકાર કડક હાથે કામ લેશે.