ભાવનગરના શિહોર તાલુકાના થાળા ગામમાં મનરેગા યોજના અંતર્ગત મોટાપાયે ભ્રષ્ટાચાર આચરવામાં આવ્યો હોવાના ગંભીર આક્ષેપો સામે આવ્યા છે. આ કૌભાંડમાં મૃત્યુ પામેલા લોકોના નામે પણ રોજગારી દર્શાવી, તેમના બેન્ક ખાતામાં પૈસા જમા કરાવી ઉપાડી લેવાયા હોવાનું બહાર આવ્યું છે. લગભગ 9 લાખ રૂપિયાના મનરેગાના કામમાં 4 લાખ રૂપિયાથી વધુનો ગોટાળો થયો હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે.


[[$googlead]]

શું છે સમગ્ર મામલો?

સરકારી મનરેગા યોજના અંતર્ગત જોબ કાર્ડ ધરાવતા લોકોને રોજગારી આપવાની હોય છે. પરંતુ થાળા ગામમાં નિયમો નેવે મૂકીને મૃત્યુ પામેલા વ્યક્તિઓના નામે પણ પૈસા ચડાવવામાં આવ્યા છે. આશ્ચર્યજનક રીતે 2015માં અવસાન પામેલા લોકોના ખાતામાં પણ 2019માં પૈસા જમા કરાવવામાં આવ્યા હતા અને બાદમાં તે ઉપાડી લેવાયા હોવાનું જાણવા મળ્યું છે. આ કૌભાંડમાં હાજરી કારકૂનથી માંડીને અધિકારીઓ સુધીની સંડોવણી હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. એક ઓડિયો ક્લિપ પણ સામે આવી છે, જેમાં કૌભાંડ આચરનાર કર્મચારીએ ગ્રામજનો સાથેની વાતચીતમાં આ હકીકત સ્વીકારી હોવાનું કહેવાય છે.

[[$alsoread]]

ગ્રામ પંચાયતના બે સભ્યોએ ગોલમાલ કરી હોવાનો આક્ષેપ

મૃતક મહિલાના નામે પણ રકમ ઉપાડી લેવાઈ આ કૌભાંડનો એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. થાળા ગામમાં ભાવુબેન રયાભાઈના નામે પણ મનરેગાની રકમ ઉધારવામાં આવી છે. જોકે, ભાવુબેનનું અવસાન 2016માં જ થઈ ગયું હતું. તેમના નામની રકમ કોણે ઉપાડી લીધી તે એક મોટો પ્રશ્ન છે. આ મૃતક મહિલાના નામે રકમ ચૂકવવાના મામલે ગ્રામ પંચાયતના બે સભ્યોએ ગોલમાલ કરી હોવાનો આક્ષેપ છે. આ સમગ્ર ભ્રષ્ટાચારને બહાર લાવવામાં સંજય ડાભી નામના એક ગ્રામજનનો મોટો ફાળો છે. ગ્રામજનો દ્વારા તપાસની માગ આ કૌભાંડને લઈને થાળા ગામના મોટી સંખ્યામાં મહિલાઓ સહિતના ગ્રામજનોએ શિહોર તાલુકા પંચાયત અને મામલતદારને આવેદનપત્ર સુપરત કરીને સમગ્ર મામલે ઉચ્ચ કક્ષાએથી તાત્કાલિક તપાસની માગ કરી છે. આ મામલે લેખિત અને મૌખિક રજૂઆતના આધારે તપાસ કરવામાં આવશે તેમ સત્તાવાળાઓએ જણાવ્યું છે.

  • Follow us on: