રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે રવિવારે એક ખુશખબરી આપી છે. તેમણે જણાવ્યું કે ભારતની પહેલી બુલેટ ટ્રેન સેવા બહુ જલ્દી શરૂ થવાની છે અને આથી મુંબઈથી અમદાવાદ વચ્ચેની મુસાફરી માત્ર 2 કલાક 7 મિનિટમાં પૂરી થાશે.


ભાવનગર રેલવે સ્ટેશન પર કરી જાહેરાત

આ નિવેદન તેમણે ભાવનગર ટર્મિનસ પરથી આપ્યું હતું, જ્યાંથી તેમણે અયોધ્યા એક્સપ્રેસ, રીવા-પુણે એક્સપ્રેસ અને જબલપુર-રાયપુર એક્સપ્રેસને ડિજિટલ માધ્યમથી હરી ઝંડી બતાવી હતી. આ પ્રસંગે મધ્યપ્રદેશના મુખ્યમંત્રી મોહન યાદવ અને છત્તીસગઢના મુખ્યમંત્રી વિષ્ણુ દેવ સાય પણ હાજર રહ્યા હતા.

બુલેટ ટ્રેનથી માત્ર બે કલાકમાં મુંબઈથી અમદાવાદ

રેલવે મંત્રી વૈષ્ણવે જણાવ્યું હતું કે મુંબઈથી અમદાવાદ વચ્ચેની પહેલી બુલેટ ટ્રેન બહુ જલ્દી શરૂ થશે અને તેનાથી માત્ર 2 કલાક 7 મિનિટમાં મુસાફરી થઈ શકશે. આ પ્રોજેક્ટ ઝડપથી આગળ વધી રહ્યો છે."

ટ્રેનની ગતિ 320 કિમી પ્રતિ કલાક

બુલેટ ટ્રેનનો કોરિડોર કુલ 508 કિમી લાંબો હશે. ટ્રેન મુંબઈના બાંદ્રા-કુરલા કોમ્પ્લેક્સ થી શરૂ થઈને અમદાવાદ સુધી પહોંચશે. તે દરમિયાન વાપી, સુરત, આણંદ, વડોદરા સહિતના શહેરોમાં રોકાશે. ટ્રેનની ગતિ 320 કિમી પ્રતિ કલાક સુધી રહેશે.

2027 સુધી ગુજરાત સેકશન પૂરું થશે, 2029 સુધી સંપૂર્ણ પ્રોજેક્ટ

મંત્રી વૈષ્ણવે અગાઉ લોકસભામાં લખિત જવાબ આપતા જણાવ્યું હતું કે વાપીથી સાબરમતી સુધીના ગુજરાત વિભાગનું કામ ડિસેમ્બર 2027 સુધી પૂરું કરવાની યોજના છે.મહારાષ્ટ્રથી સાબરમતી સુધીનો સંપૂર્ણ પ્રોજેક્ટ ડિસેમ્બર 2029 સુધી પૂરું થવાની શક્યતા છે.

જાપાનની ટેક્નિકલ અને નાણાકીય સહાયથી બની રહી છે બુલેટ ટ્રેન

આ સમગ્ર મુંબઈ-અમદાવાદ હાઈ સ્પીડ રેલ (MAHSR) પ્રોજેક્ટ જાપાનની ટેક્નિકલ અને નાણાકીય સહાયથી બનાવાઈ રહ્યો છે. કુલ 12 સ્ટેશનો બુલેટ ટ્રેન માટે નક્કી કરાયા છે, જેમાં મુંબઈ (BKC), ઠાણે, વિરાર, બોઈસર, વાપી, બિલીમોરા, સુરત, ભરુચ, વડોદરા, આણંદ, અમદાવાદ અને સાબરમતી સ્ટેશનનો સમાવેશ કરાયો છે


  • Follow us on: