ભાવનગર જિલ્લાનો સુપ્રસિદ્ધ બગદાણા ગુરુ આશ્રમ ફરી એકવાર વિવાદોના ઘેરાવામાં આવ્યો છે.તાજેતરમાં બગદાણા ધામમાં કોળી સમાજની એક અત્યંત મહત્વપૂર્ણ બેઠક મળી હતી.જેમાં આશ્રમ દ્વારા સમાજના સભ્યોને સતત અન્યાય થઈ રહ્યો હોવાના ગંભીર મુદ્દાઓ પર ખુલીને ચર્ચા કરવામાં આવી હતી.બાપાની તિથિની ભવ્ય ઉજવણી દરમિયાન પણ કોળી સમાજની જાણીજોઈને ઉપેક્ષા કરવામાં આવી હોવાનો આક્ષેપ કરાયો છે.જેને લઈને સમાજમાં ભારે રોષ અને નારાજગી ફેલાઈ ગઈ છે.આ મામલો હવે માત્ર સામાજિક નથી રહ્યો પરંતુ ધીમે ધીમે રાજકીય રંગ પણ પકડી રહ્યો છે.

સમાજમાં ભારે અસંતોષ ઊભો થયો છે

કોળી સમાજના સભ્યો અને આગેવાનો દ્વારા આશરે 8 જેટલા ગામોના સ્થાનિક લોકોને રૂબરૂ મળીને આશ્રમમાં થઈ રહેલા અન્યાય મુદ્દે વિસ્તૃત ચર્ચાઓ કરવામાં આવી રહી છે.આ હેતુથી ગામડાઓમાં અન્યાય સામે લોકોનો અવાજ એકત્ર કરવા માટે ખાસ ખાટલા મીટિંગનું આયોજન પણ કરવામાં આવ્યું છે.ભૂતકાળમાં જ્યારે આશ્રમમાં મનજી દાદા હયાત હતા.તે સમયે તેમની તબિયત નાદુરસ્ત રહેતી હોવાના કારણે આશ્રમનું રોજિંદુ કાર્ય સંભાળવા માટે વહીવટદારની નિમણૂક કરવામાં આવી હતી.આ વ્યવસ્થા બાદથી વહીવટદારો દ્વારા કામગીરી સંભાળવામાં આવી રહી છે.વર્તમાન નિર્ણયોને પગલે સ્થાનિક સમાજમાં ભારે અસંતોષ ઊભો થયો છે.

વહીવટદારને 14 માંગણીઓ સાથે આવેદનપત્ર

આ સમગ્ર વિવાદ અંગે પરિસ્થિતિ જાણવા માટે આશ્રમના વહીવટદારો પૈકીના એક અને કાંદિવલીના ભાજપના ધારાસભ્ય યોગેશ સાગરનો ટેલિફોનિક સંપર્ક સાધવામાં આવ્યો હતો.તેમણે આ વિવાદ અંગે કોઈ પણ પ્રકારની પ્રતિક્રિયા આપી ન હતી.ધારાસભ્યએ માત્ર એટલું જ જણાવ્યું હતું કે તેઓ હાલ આશ્રમની આગામી 50મી પુણ્યતિથિની તૈયારીઓમાં વ્યસ્ત છે.વહીવટદાર તરફથી પ્રત્યુત્તર ન મળતા સમાજના લોકોમાં નારાજગી વધુ તીવ્ર બની છે. આશ્રમના વહીવટદાર નીચે મેનેજરની પોસ્ટ પર કોળી સમાજના બે વ્યક્તિઓ કાર્યરત હતા.તાજેતરમાં તેમાંથી એક કોળી સમાજના વ્યક્તિને મેનેજર પોસ્ટ પરથી હટાવી દેવામાં આવ્યા છે.જ્યારે અન્ય એક વ્યક્તિ મેનેજર પોસ્ટ પર ચાલુ છે.આ નિર્ણયના વિરોધમાં સમાજના આગેવાનોએ વહીવટદારને 14 માંગણીઓ સાથે આવેદન પાઠવી 8 દિવસનું અલ્ટીમેટમ આપ્યું છે.

આ પણ વાંચોઃ Bagdana ધામમાં ગરમાયું રાજકારણ! કોળી સમાજ સાથે અન્યાયના મુદ્દે મહિલાઓનો વિરોધ અને ગંભીર આક્ષેપોથી ચકચાર