ભાવનગર જિલ્લાના મહુવા તાલુકાના ઊંચા કોટડા ગામના સંવેદનશીલ અનામત જંગલ વિસ્તારમાં લાંબા સમયથી ચાલી રહેલી ગેરકાયદે રેતી ખનન અને પરિવહનની પ્રવૃત્તિનો વન વિભાગ દ્વારા મોટો પર્દાફાશ કરવામાં આવ્યો છે. પર્યાવરણ અને વન સંપદાને નુકસાન પહોંચાડતા આ કૌભાંડ સામે વન વિભાગે કડક રૂખ અપનાવ્યો છે.

વન વિભાગના સપાટો અને લાખોનો મુદ્દામાલ જપ્ત

મહુવા રેન્જના હસ્તકના વિસ્તારમાં વન વિભાગની સંયુક્ત ટીમે ગઈ કાલ રાત્રે અચાનક દરોડા પાડ્યા હતા. આ દરોડા દરમિયાન સ્થળ પરથી મોટાપાયે રેતીનું ખનન કરતા કુલ 12 ટ્રેક્ટર અને 1 ડમ્પર સહિત કુલ 13 વાહનો ઝડપી પાડવામાં આવ્યા છે. વન વિભાગ દ્વારા જપ્ત કરાયેલા આ વાહનો અને મુદ્દામાલની કુલ અંદાજિત કિંમત Rs.75 લાખ આસપાસ થાય છે.

Bhavnagar News Illegal mining caught in reserved forest crime registered against 15 people

15 શખ્સો સામે ભારતીય વન અધિનિયમ હેઠળ ગુનો

જંગલની જમીનને નુકસાન પહોંચાડી ગેરકાયદે ખનન પ્રવૃત્તિમાં સીધી કે આડકતરી રીતે સંડોવાયેલા કુલ 15 શખ્સોની ઓળખ કરી તેઓની સામે ભારતીય વન અધિનિયમ 1927ની વિવિધ કલમો હેઠળ કાયદેસરનો ગુનો નોંધવામાં આવ્યો છે. આ સખત કાર્યવાહીથી ખનન માફિયાઓમાં ભારે ફફડાટ ફેલાઈ ગયો છે.

Bhavnagar News Illegal mining caught in reserved forest crime registered against 15 people

માસ્ટરમાઇન્ડ અને નેટવર્ક સુધી પહોંચવાની કવાયત

પ્રાથમિક તપાસ બાદ વન વિભાગ હવે આ ગેરકાયદે ખનનના નેટવર્કના મુખ્ય સૂત્રધારો અને પકડાયેલા વાહનોના મૂળ માલિકો સુધી પહોંચવા માટે ઊંડાણપૂર્વકની આગળની તપાસ અને કાનૂની કાર્યવાહી હાથ ધરી છે. વન્ય જીવો અને કુદરતી પર્યાવરણની રક્ષા માટે વિભાગ દ્વારા આગામી સમયમાં પણ આ પ્રકારની સઘન ચેકિંગ ઝુંબેશ ચાલુ રાખવામાં આવશે.


આ પણ વાંચો: Rahul Gandhiની રેલીમાં ગેરહાજર રહેનારા ગુજરાત યુથ કોંગ્રેસના 49 હોદ્દેદારો અને 24 જિલ્લા પ્રમુખો સસ્પેન્ડ