સમગ્ર ગુજરાતમાં માળખાકીય સુવિધાઓ, કનેક્ટિવિટી અને જનકલ્યાણના કાર્યો અભૂતપૂર્વ ઝડપે આગળ વધી રહ્યા છે. ભાવનગર શહેરમાં પણ આધુનિક રસ્તાઓ અને ઓવર બ્રિજના નિર્માણ દ્વારા ટ્રાફિકમુક્ત અને સુગમ વાહનવ્યવહારની નવી દિશા કંડારાઈ રહી છે.

નારી ચોકડીથી વરતેજ સુધી રૂ. 650 કરોડનો મેગા બ્રિજ

ભાવનગર પશ્ચિમના ધારાસભ્ય તથા રાજ્ય સરકારના પ્રવક્તા મંત્રી જીતુભાઈ વાઘાણીએ મોટી જાહેરાત કરી છે. ભાવનગરના પ્રવેશદ્વાર નારી ચોકડીથી શરૂ થઈને વરતેજ સુધી નીકળતો સૌરાષ્ટ્રનો સૌથી મોટો અને આધુનિક મેગા ઓવર બ્રિજ બનાવવાનું આયોજન કરાયું છે. અંદાજે રૂ. 650 કરોડના ખર્ચે બનનારા આ બ્રિજ માટે ઓનલાઈન ટેન્ડર પણ ફ્લોટ કરી દેવામાં આવ્યું છે.

ત્રિપક્ષીય સહયોગથી ટ્રાફિક સમસ્યાનો કાયમી ઉકેલ

આ મહત્વકાંક્ષી પ્રકલ્પમાં નેશનલ હાઈવે ઓથોરિટી, રાજ્ય સરકારનો માર્ગ અને મકાન વિભાગ તથા ભાવનગર મહાનગરપાલિકા સંયુક્ત રીતે સહયોગ કરશે. નારી ચોકડી અને વરતેજ તરફના જટિલ ટ્રાફિકની સમસ્યાનો આ ફ્લાયઓવરથી કાયમી ઉકેલ આવશે.

કુંભારવાડા ફાટક ખાતે ઓવરબ્રિજ બનાવવાનો નિર્ણય

ભાવનગરના ઔદ્યોગિક અને શ્રમજીવી વિસ્તાર ગણાતા કુંભારવાડા ખાતે લોકોની લાંબા સમયની માગણીનો ઉકેલ આવ્યો છે. વડાપ્રધાનના 'ફાટક મુક્ત ભારત' અભિયાન હેઠળ કુંભારવાડા ફાટક પર નવો ઓવર બ્રિજ બનાવવાનો નિર્ણય લેવાયો છે. અગાઉ અહીં અંડરપાસ બનાવાયો હોવા છતાં ટ્રાફિક સમસ્યા યથાવત રહી હતી.

બે ભાગમાં દ્વિ-માર્ગી ડિઝાઇન અને નાગરિકોને લાભ

મંત્રી વાઘાણીએ સ્થાનિક પદાધિકારીઓ અને મ્યુનિસિપલ કમિશનર સાથે સ્થળની મુલાકાત લઈ નિર્ણયને આખરી ઓપ આપ્યો હતો. વાહનચાલકોની અનુકૂળતા માટે બ્રિજ પર સરળતાથી ચડી અને ઉતરી શકાય તે રીતે બે ભાગમાં દ્વિ-માર્ગી ડિઝાઇન તૈયાર કરવામાં આવશે. આ બ્રિજ બનવાથી શ્રમજીવીઓ, વેપારીઓ અને દૈનિક વાહનચાલકોના સમય તથા ઇંધણ બંનેની બચત થશે.


આ પણ વાંચો: Bhavnagar News: વાવડી ગામની વાડીમાં જુવારના ઢગલામાંથી વિદેશી દારૂનો મોટો જથ્થો ઝડપાયો