ભાવનગર શહેરમાં સ્પા સેન્ટરોની આડમાં ચાલતા દેહ વ્યાપારના ગોરખધંધા પર પોલીસે તવાઈ બોલાવી છે. પોલીસે શહેરના મુખ્ય વિસ્તાર એવા વાઘાવાડી રોડ પર એકસાથે દરોડા પાડીને ગેરકાયદેસર પ્રવૃત્તિઓનો પર્દાફાશ કર્યો છે.


શહેરના વાઘાવાડી રોડ પર પોલીસના દરોડા 

પ્રાપ્ત માહિતી અનુસાર, પોલીસે વાઘાવાડી રોડ પર આવેલા 'ઇવા સુરભી' નામના કોમ્પ્લેક્સમાં એકસાથે અલગ-અલગ ત્રણ સ્થળોએ દરોડા પાડ્યા હતા. આ દરોડા દરમિયાન, પોલીસે સ્પા સેન્ટરની આડમાં ચાલતા દેહ વ્યાપારના રેકેટનો પર્દાફાશ કર્યો હતો. પોલીસની આ કાર્યવાહીમાં 10 યુવતીઓને દેહ વ્યાપારની ગેરકાયદેસર પ્રવૃત્તિમાંથી મુક્ત કરાવવામાં આવી હતી. પોલીસે આ ગોરખધંધા ચલાવતા સ્પા સેન્ટરોના મેનેજરોની તાત્કાલિક ધરપકડ કરીને તેમની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

10 યુવતીઓને દેહ વ્યાપારમાંથી મુક્ત કરાવી

પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર, લાંબા સમયથી શહેરના અનેક વિસ્તારોમાં સ્પા અને મસાજ પાર્લરની આડમાં આ પ્રકારની અનૈતિક પ્રવૃત્તિઓ ચાલતી હોવાની ફરિયાદો મળી રહી હતી. તેના આધારે પોલીસે ગુપ્ત રાહે માહિતી મેળવીને આ કાર્યવાહી કરી છે. પોલીસે અન્ય સ્થળો પર પણ તપાસ ચાલુ રાખી છે અને શહેરના યુવાધનને બરબાદ કરી રહેલા આવા ગોરખધંધાને સંપૂર્ણપણે નેસ્તનાબૂદ કરવા માટે કડક કાર્યવાહી કરવાની ખાતરી આપી છે.

  • Follow us on: