ભાવનગર જિલ્લાના પાલીતાણા તાલુકાના જામવાળી ગામે વિદ્યાર્થીઓ વચ્ચેની જૂની અદાવતમાં ગંભીર ઘટના બની છે. અહીં ધોરણ 10ના એક વિદ્યાર્થી પર ધોરણ 11ના વિદ્યાર્થીએ તેના બે સાથીઓ સાથે મળીને છરી વડે હુમલો કર્યો હતો.


સ્કૂલેથી પરત ફરતી વખતે કર્યો હુમલો

આ ઘટના જામવાળી ગામની ઉન્નતી વિદ્યાલયના વિદ્યાર્થીઓ વચ્ચે બની હતી. જાણવા મળ્યા મુજબ, ધોરણ 10માં અભ્યાસ કરતો વિદ્યાર્થી સ્કૂલેથી પોતાના ઘરે પરત ફરી રહ્યો હતો. તે દરમિયાન ધોરણ 11માં અભ્યાસ કરતા મુખ્ય આરોપી વિદ્યાર્થી અને તેના અન્ય બે સાથીદારોએ મળીને તેને આંતર્યો અને તેની સાથે મારામારી કરી. આ હુમલાનું કારણ લગભગ 15 દિવસ પહેલાં બંને જૂથના વિદ્યાર્થીઓ વચ્ચે થયેલી જૂની બોલાચાલી હતી. જૂની અદાવતનું વેર વાળવા માટે ત્રણ સગીરોએ એકસાથે મળીને આ હુમલો કર્યો હતો.


ગંભીર ઈજા, સારવાર માટે ખસેડાયો

હુમલા દરમિયાન સગીર વિદ્યાર્થીને છરીના ગંભીર ઘા વાગ્યા હતા. તેને તાત્કાલિક સારવાર માટે ભાવનગર ખાતે ખસેડવામાં આવ્યો છે, જ્યાં તેની હાલત સ્થિર હોવાનું જાણવા મળ્યું છે. ઘટનાની જાણ થતાં જ પાલીતાણા પોલીસે ત્વરિત કાર્યવાહી હાથ ધરી છે. પોલીસે હુમલો કરનાર ત્રણ સગીર વિદ્યાર્થીઓ વિરુદ્ધ ગુનો નોંધીને કાયદેસરની કાર્યવાહી શરૂ કરી દીધી છે. બનાવના પગલે ભોગ બનનાર વિદ્યાર્થીના પરિવારે આ સગીર આરોપીઓ પર કડક કાર્યવાહી કરવાની માંગ કરી છે, જેથી શૈક્ષણિક સંકુલોમાં આવી હિંસક પ્રવૃત્તિઓ પર નિયંત્રણ લાવી શકાય.

  • Follow us on: