હિન્દુ ધર્મમાં પ્રકાશના પર્વ તરીકે જાણીતી દિવાળીના દિવસે દીવડા પ્રગટાવવાનું વિશેષ અને ધાર્મિક મહત્વ રહેલું છે. આ પરંપરાને જાળવી રાખીને અને તહેવારની ભવ્યતામાં વધારો કરવાના આશયથી, ભુજ સ્થિત નૂતન સ્વામિનારાયણ મંદિર ખાતે ભવ્ય 'દીપોત્સવ'નું આયોજન કરવામાં આવ્યું હતું.
નૂતન સ્વામિનારાયણ મંદિર ખાતે ભવ્ય દીપોત્સવ
મંદિર પરિસરમાં આયોજિત આ દીપોત્સવ કાર્યક્રમ દરમિયાન લગભગ દોઢ લાખથી વધુ દીવડાઓ પ્રગટાવવામાં આવ્યા હતા. આ દીવડાઓની અદભુત રોશનીથી સમગ્ર ભુજ સ્વામિનારાયણ નૂતન મંદિર પરિસર ઝળહળી ઉઠ્યું હતું, જેના કારણે અહીં અદ્દભુત અને અલૌકિક નજારો જોવા મળ્યો હતો. આ દીપોત્સવના આયોજન પાછળનો મુખ્ય આશય માત્ર બાહ્ય પ્રકાશ ફેલાવવાનો નહોતો, પરંતુ દીવડા રૂપી આ જ્યોત સૌના અંતરમાં પ્રગટે અને આવનારું નવું વર્ષ દરેકના જીવનમાં પ્રકાશ, શાંતિ અને સમૃદ્ધિ લઈને આવે તેવો શુભ સંદેશ આપવાનો હતો.










