કચ્છના દરિયાઈ માર્ગે ભારતીય જળસીમામાં ડ્રગ્સ ઘુસાડવાના ત્રણ અલગ-અલગ મોટા કૌભાંડોમાં ભુજની સ્પેશિયલ NDPS કોર્ટે આજે એક સીમાચિહ્નરૂપ ચુકાદો આપ્યો છે. કોર્ટે ડ્રગ્સની હેરાફેરીમાં સંડોવાયેલા કુલ 19 આરોપીઓને 20 વર્ષની સખત કેદની સજા ફટકારી છે. સજા પામેલા આ આરોપીઓમાં 18 પાકિસ્તાની નાગરિકો અને 1 અફઘાનિસ્તાનનો નાગરિક સામેલ છે. કોર્ટે દરેક આરોપીને 2 લાખ રૂપિયાનો દંડ પણ કર્યો છે.
જપ્ત કરાયેલા ડ્રગ્સની કુલ કિંમત 575 કરોડ રૂપિયા
આ ત્રણેય કેસમાં જપ્ત કરાયેલા ડ્રગ્સની કુલ કિંમત 575 કરોડ રૂપિયા થાય છે જેમાં ગુજરાત ATS, કોસ્ટગાર્ડ અને SOG પોલીસની સંયુક્ત કાર્યવાહીથી આ સફળતા મળી હતી. 6 જાન્યુઆરી, 2020 દરમિયાન જખૌના દરિયામાંથી સુરક્ષા એજન્સીઓએ 157 કરોડનું હેરોઈન જપ્ત કર્યું હતું.15 એપ્રિલ, 2021 દરમિયાન જખૌ નજીકથી જ 150 કરોડના હેરોઈન સાથે 8 પાકિસ્તાની ઈસમોને ઝડપી પાડવામાં આવ્યા હતા.
