કેન્દ્રિય ચૂંટણી પંચનાં આદેશ અનુસાર કચ્છના ૬ વિધાનસભા વિસ્તારમાં મતદાર યાદીનું સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન એટલે કે, એસઆઇઆર પ્રક્રિયામાં બીએલઓ દ્વારા આગામી તા.૪ ડીસેમ્બર સુધી હાઉસ ટુ હાઉસ મતદારોને એન્યુમેરેશન ફોર્મનું વિતરણ બાદ તેને પરત જમા લેવાની કામગીરી હાલે ઝડપભેર આગળ ધપી રહી છે. જિલ્લામાં ૨૪ દિવસમાં ૭૫.૪૪ % એન્યુમેરેશન ફેર્મનાં ડિજિટલાઇઝેશનની કામગીરી પૂર્ણ કરી લેવામાં આવી છે. જેમાં ગેરહાજર, મૃત્યું પામેલા અને સ્થળાંતરિત સહિતના કારણોસર ૯૫,૭૮૩ મતદારોનો ઘટાડો થવાની સંભાવના દેખાઈ રહી છે.


Sirની ૭૫.૪૪ ટકા કામગીરી પૂર્ણ થઇ ગઇ

નાયબ ચૂંટણી અધિકારી વિવેક બારહટે જણાવ્યું હતું કે, ચૂંટણી પંચનાં આદેશ મુજબ કલેક્ટર આનંદ પટેલનાં માર્ગદર્શનમાં જિલ્લાના અબડાસા, માંડવી, ભુજ, અંજાર, ગાંધીધામ અને રાપર વિધાનસભા વિસ્તારમાં તા.૧/૧/૨૦૨૬ની લાયકાતની તારીખનાં સંદર્ભમાં ખાસ સઘન મતદાર યાદી સુધારણા કાર્યક્રમ અંતર્ગત એન્યુમેરેશનનાં તબક્કામાં કચ્છનાં કુલ ૧,૮૪૮ મતદાન મથકોનાં બીએલઓ દ્વારા તા.૪/૧૧થી હાઉસ ટુ હાઉસ મુલાકાત કરીને ૧૬.૯૦ લાખ મતદારો પાસે પહોંચ્યા હતાં અને મતદારોને એન્યુમેરેશન ફેર્મ અપાયા હતાં. જેને પરત લેવાની કામગીરીમાં અત્યાર સુધીમાં ૧,૮૪૮ બૂથમાં સમાવિષ્ટ ૧૬,૯૦,૫૮૪ મતદારો પૈકી ૧૧,૭૯,૪૭૫નાં એન્યુમેરેશન ફોર્મ ડિજિટલાઇઝેશન થઇ જતાં ૭૫.૪૪ ટકા કામગીરી પૂર્ણ થઇ ગઇ છે.

૩૩,૮૮૩ મતદારના મૃત્યુ, ૫૨,૮૦૦ મતદારનું સ્થળાંતર

નાયબ ચૂંટણી અધિકારી બારહટે વધુ માહિતી આપતાં જણાવ્યું હતું કે, જીલ્લામાં બીએલઓ દ્વારા એન્યુમેરેશન ફોર્મ પરત મેળવવાની કામગીરી દરમ્યાન ગેરહાજર, મૃત્યુ પામેલા તેમજ સ્થળાંતર સહિતનાં અન્ય કારણોસર ૯૫,૭૮૩ મતદારોનો ઘટયા છે. જેમાં ૩૩,૮૮૩ મૃત્યુ, ૩,૬૨૫ સરનામા પર મળ્યા નથી અને ૫૨,૮૦૦ મતદારો જીલ્લા બહાર સ્થળાંતર કરી ગયા હોવા સહિત અન્ય કારણોસર ૫,૪૭૫ મતદારો ઘટયા હોવાનું ડિજિટલાઇઝેશનની પ્રક્રિયા દરમ્યાન ઉજાગર થયું છે.

ગાંધીધામ વિધાનસભામાં સૌથી વધુ મતદારોનો ઘટાડો થશે

કચ્છ જીલ્લાની છ વિધાનસભા વિસ્તાર વાઇઝ મતદારોમાં થયેલા ઘટાડા પર નજર કરવામાં આવે તો અબડાસા વિધાનસભા વિસ્તારમાં ૨,૬૨,૫૦૭ મદારોમાંથી ૧૫,૨૦૩નો ઘટાડો થયો છે. આજ રીતે માંડવીમાં ૨,૬૬,૪૦૫ મદારોમાંથી ૮,૯૮૯ મતદારો, ભુજમાં ૩,૦૫,૭૮૦ મતદારોમાંથી ૧૧,૫૦૨, અંજારમાં ૨૮૧૮૩૯માંથી ૧૦.૦૭૩, ગાંધીધામમાં ૩,૧૮,૦૧૬ માંથી ૩૨,૦૪૫ અને રાપર વિધાનસભામાં ૨,૫૬,૦૩૭માંથી ૧૭,૯૭૧ મતદારોનો ઘટાડો નોંધાયો છે.

ભુજ વિધાનસભામાં સૌથી ઓછા મતદારોએ કર્યું સ્થળાંતર

વિધાનસભાવાઇઝ નોંધાયેલા મૃત્યુ અને સ્થળાંતર થયેલા મતદારોની સંખ્યામાં મુખ્યત્વે અબડાસા વિધાનસભામાં ૫૨૩૫ મૃત્યુ અને ૮૨૯૬ મતદારોનું સ્થળાંતર, માંડવીમાં ૪૧૬૧ મૃત્યુ અને ૩૮૦૬ મતદારોનું સ્થળાંતર, ભુજમાં ૬,૨૨૬ મૃત્યુ અને ૩૫૯૪ સ્થળાંતર મતદારો, અંજારમાં ૪૦૭૩ મૃત્યુ અને ૪૦૩૦ મતદારોનું સ્થળાંતર, ગાંધીધામમાં ૭૮૬૩ મૃત્યુ અને ૨૧,૫૪૮ મતદારોનું સ્થળાંતર અને રાપર વિધાનસભામાં ૬૨૨૫ મૃત્યુ અને ૧૦૭૨૬ મતદારોનું સ્થળાંતર મળીને કુલ છ વિધાનસભા વિસ્તારમાં ૩૩,૮૮૩નાં મૃત્યુ અને ૫૨,૮૦૦ મતદારો સ્થળાંતર થયાનું સામે આવ્યું છે.

સૌથી વધુ કામગીરી અબડાસામાં, ગાંધીધામ સૌથી પાછળ

તંત્ર દ્વારા જીલ્લામાં અત્યાર સુધીમાં મતદારયાદીમાં નોંધાયેલા ૧૬,૯૦,૫૮૪ મતદારોમાંથી ૧૧,૭૯,૪૭૫ એન્યુમેરેશન ફોર્મનું ડિજિટલાઇઝેશન ( ૭૫.૪૪ %) કરી દેવામાં આવ્યું છે, જેમાં અબડાસા વિધાનસભામાં ૧,૯૭,૨૮૩ એન્યુમેરેશન ફોર્મ (૭પ.૧પ %), માંડવીમાં ૧,૯૭,૪૩૮ (૭૪.૧૧ %), ભુજમાં ૨,૦૯,૬૩૬ (૬૮.પ૬ %), અંજારમાં ૧,૯૩,૮૦૮ (૬૮.૭૭ %), ગાંધીધામમાં ૨,૦૬,૮૦૨ (૬૫.૦૩ %) અને રાપર વિધાનસભામાં ૧,૭૪,૫૦૮ (૬૮.૧૬ %) એન્યુમેરેશન ફોર્મનો સમાવેશ થાય છે. જે અંતર્ગત કુલ ૭૫.૪૪ % ડિજિટલાઇઝેશન કામગીરી પૂર્ણ થઇ છે.


આ પણ વાંચોઃ Sabarkantha News: હિંમતનગરમાં મોપેડ ચાલકે બાળકીને અડફેટે લીધી, હાલત ગંભીર


  • Follow us on: