છોટાઉદેપુરની જીવાદોરી સમાન બ્રિજો હાલમાં ભારદારી વાહનો માટે બંધ કરી દેવાતા જીવન જરૂરિયાતની ચીજવસ્તુઓના પરિવહન ઉપર પણ તેની અસર થઈ છે.


જેમા શાકભાજીનું પરિવહન ઘટી જતાં સ્થાનિક સ્તરે તેના ભાવ વધારામાં પરિવર્તિત થઈ છે. જેને લઇને ગરીબ અને મધ્યમવર્ગની હાલત કફોડી થઈ છે. જ્યારે પંથકમાં શાકભાજીના ભાવ આસમાનને આંબી રહ્યા છે.

ક્વાંટ, પાનવડ સહિત પાવીજેતપુર છોટાઉદેપુર વિસ્તારમાંથી શાકભાજી લઈ બોડેલી નગરમાં આવતા ખેડૂતો મેરીયા બ્રિજ તેમજ ઓરસંગ બ્રિજ બંધ થતા મૂંઝવણમાં મુકાયા છે. તેઓ પોતાની શાકભાજી લઈ બોડેલી આવી શકતા નથી. કદાચ શાકભાજી લઈને ડાયવર્ઝનવાળા રસ્તે આવે તો તેઓને પરવડે તેમ ન હોય બોડેલીમાં ગ્રામીણ વિસ્તારની શાકભાજી આવવાની બંધ થતા હાલ નગરમાં શાકભાજીનો ભાવ આસમાનને આંબી ગયો છે.

ઉલ્લેખનીય છે કે, મધ્યમ વર્ગ હોય મજૂર વર્ગ હોય કે ધનિકવર્ગ હોય તમામને શાકભાજી રોજે રોજ તાજી ખરીદવી પડે છે. હાલ શાકભાજીના ભાવ આસમાને પહોંચતા તમામ ગૃહિણીઓનું બજેટ ખોરવાયું છે. કારણ શાકભાજીના રાજા ગણાતા રીંગણ તમામ શાકમાં વપરાય છે. જ્યારે ટામેટા પણ તમામ શાકમાં વપરાય છે. જેનો ભાવ પણ રૂા.120ને પાર થતા હાલ શાકભાજી ખરીદવી હોય તો ગજવામાં એક સમયના રૂા.200 જોઈએ. અને તે પણ એક કે બે જ પ્રકારની શાકભાજી ખરીદી શકાય. બોડેલી શાકમાર્કેટમાં ખરીદી કરવા આવેલા કોઈપણ ખરીદદાર ભાવ પૂછે છે. ત્યારે શાકભાજી વેચનારા વેપારીઓ માત્ર 250 ગ્રામનો ભાવ કહે છે. કારણ કે કિલોનો ભાવ સાંભળી ગ્રાહકો ચાલતી પકડે છે. તેમ કેટલાક વેપારીઓ જણાવી રહ્યાં હતા. હાલ કંકોડા એક કિલોના રૂા.300 અને અઢીસો ગ્રામના રૂા.80. લીલુ લસણ એક કિલોના રૂા. 800એ વેચાઇ રહ્યાં છે. જ્યારે તુવેર એક કિલોના રૂા.240 મેથી, પાલક, સૂવા સહિતની ભાજી પણ એક કિલોના રૂા.200 વટાણા પણ કિલોના રૂા.200, ગુવાર, પરવર, સુરણ, ટીંડોળા, વાલોર, ફ્ુલેવાર તમામનો કિલોનો ભાવ રૂા.160થી 180એ પહોચ્યાં છે. ટામેટા પણ રૂા.100ના કિલો વેચાઇ રહ્યાં છે. આમ તમામ શાકભાજીનો ભાવ આસમાનને આંબી જતા મજુરવર્ગ તેમજ મધ્યમ વર્ગની કમર તૂટી ગઇ છે.


  • Follow us on: