આણંદ જિલ્લાના બોરસદ શહેરમાં દિવાળીના તહેવારની પૂર્વસંધ્યાએ નગરપાલિકા દ્વારા હાથ ધરવામાં આવેલી દબાણ હટાવવાની કામગીરીને કારણે લારી-ગલ્લા ચલાવતા વેપારીઓમાં ભારે રોષ ફેલાયો છે. પાલિકાએ માત્ર ગંજ બજાર પાસેના ચોક્કસ વિસ્તારની જ લારીઓ અને દબાણો હટાવતા આ કામગીરી રાજકીય ઇશારે થઈ હોવાના ગંભીર આક્ષેપો થઈ રહ્યા છે. બોરસદ નગરપાલિકા દ્વારા પોલીસના ઓથે આ દબાણો દૂર કરવાની કાર્યવાહી કરવામાં આવી હતી.

ગંજ બજાર પાસે લારી સહિતના દબાણ હટાવાતા રોષ

ખાસ કરીને ગંજ બજાર પાસે ઊભી રહેતી લારીઓ અને ફૂટપાથ પરના નાના દબાણોને ટાર્ગેટ કરીને હટાવવામાં આવ્યા હતા. લારીચાલકોમાં રોષનું મુખ્ય કારણ એ છે કે પાલિકાએ શહેરના અન્ય વિસ્તારોમાં જ્યાં મોટા પ્રમાણમાં લારીઓ અને દબાણો હાજર છે ત્યાં કોઈ કાર્યવાહી કરી નથી. માત્ર એક જ ચોક્કસ વિસ્તારની લારીઓ હટાવવામાં આવતા આ લારીચાલકોએ આ કાર્યવાહીને ભેદભાવપૂર્ણ નીતિ ગણાવી છે અને પાલિકા પર રાજકીય કિન્નાખોરી રાખીને કામ કરવાનો આક્ષેપ કર્યો છે.

દબાણની કામગીરી રાજકીય ઈશારે થયાનો આક્ષેપ

દિવાળીનો તહેવાર એ નાના વેપારીઓ અને લારીચાલકો માટે આખા વર્ષની કમાણીનો મુખ્ય સમય હોય છે. વેપારના આ મહત્ત્વપૂર્ણ સમયે જ તેમની આજીવિકાનું સાધન છીનવાઈ જતાં લારીચાલકો નિઃસહાય બની ગયા છે. તેમની આજીવિકા છીનવાઈ જવાથી દિવાળીના સમયે તેમને ઘર ચલાવવું મુશ્કેલ બન્યું છે. માત્ર એક જ વિસ્તારને નિશાન બનાવીને કરેલી આ કામગીરીને કારણે બોરસદના લારીચાલકોમાં ભારે નારાજગી ફેલાઈ છે અને તેઓ ન્યાય માટે સત્તાવાળાઓ સમક્ષ રજૂઆત કરવાની તૈયારી કરી રહ્યા છે.