બોટાદ જિલ્લાના રાણપુર શહેરમાં ભાજપના આગેવાન અને બક્ષીપંચ મોરચાના પૂર્વ મહામંત્રી વિરમભાઈ સીતાપરા પર જીવલેણ હુમલો કરવામાં આવ્યો હોવાની ઘટના સામે આવી છે. હુમલામાં વિરમભાઈ સીતાપરા ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા છે. તેમની સાથે અન્ય એક યુવકને પણ ઈજા પહોંચતા બંનેને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.

ભાજપના આગેવાનો અને લોકોના ટોળા હોસ્પિટલ પહોંચ્યા

ઘટનાની જાણ થતાં જ ભાજપના સ્થાનિક આગેવાનો, કાર્યકરો અને મોટી સંખ્યામાં લોકો હોસ્પિટલ ખાતે પહોંચી ગયા હતા. હુમલાની ઘટનાને લઈને વિસ્તારમાં તણાવપૂર્ણ માહોલ સર્જાયો હતો. પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને પોલીસનો કાફલો પણ હોસ્પિટલ અને આસપાસના વિસ્તારમાં તૈનાત કરવામાં આવ્યો હતો. પોલીસે કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે ચુસ્ત બંદોબસ્ત ગોઠવ્યો છે. 

કયા કારણોસર હુમલો કરવામાં આવ્યો?

હાલ હુમલો કયા કારણોસર કરવામાં આવ્યો, તેમાં કેટલા લોકો સામેલ હતા અને હુમલા પાછળનું ચોક્કસ કારણ શું છે તે અંગે તપાસ શરૂ કરવામાં આવી છે. પોલીસ દ્વારા ઘટનાસ્થળ અને આસપાસના વિસ્તારોમાંથી પુરાવા એકત્ર કરવાની કામગીરી હાથ ધરાઈ છે. હાલ સુધી હુમલાના કારણ અંગે કોઈ સત્તાવાર માહિતી જાહેર કરવામાં આવી નથી. પોલીસ ઈજાગ્રસ્તો અને પ્રત્યક્ષદર્શીઓના નિવેદનોના આધારે સમગ્ર ઘટનાની તપાસ આગળ વધારી રહી છે. હુમલાખોરોની ઓળખ અને તેમની ધરપકડ માટે પણ કાર્યવાહી શરૂ કરવામાં આવી છે.

આ ઘટનાએ રાણપુર શહેરમાં ચકચાર મચાવી છે. સ્થાનિક લોકો હુમલાખોરો સામે કડક કાર્યવાહી કરવાની માગ કરી રહ્યા છે. પોલીસે જણાવ્યું છે કે તપાસ પૂર્ણ થયા બાદ સમગ્ર મામલે યોગ્ય કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. હાલ બંને ઈજાગ્રસ્તોની સારવાર ચાલી રહી છે અને તેમની તબિયત પર ડૉક્ટરોની સતત નજર રાખવામાં આવી રહી છે.

આ પણ વાંચો : Ahmedabad: રાજ્યમાં 3 વરસાદી સિસ્ટમ સક્રિય, માછીમારોને દરિયો ન ખેડવા તંત્રની સૂચના