બોટાદ જિલ્લામાં મેઘરાજાની તોફાની બેટિંગ વચ્ચે એક ગોઝારી ઘટના સામે આવી છે. રાણપુર તાલુકાના ગોધાવટા ગામ નજીક એક કોઝવેમાં કાર તણાઈ જતાં તેમાં સવાર 7 લોકોમાંથી 3 વ્યક્તિઓએ જીવ ગુમાવ્યા છે. શોધખોળ દરમિયાન આજે ત્રીજો મૃતદેહ પણ મળી આવતા મૃત્યુઆંક 3 પર પહોંચ્યો છે.
વરસાદને કારણે કોઝવે પર પાણીનો પ્રવાહ તેજ
પ્રાથમિક માહિતી મુજબ, આ દુર્ઘટના ત્યારે બની જ્યારે કારમાં સવાર તમામ લોકો બોચાસણથી સાળંગપુર તરફ આવી રહ્યા હતા. ભારે વરસાદને કારણે કોઝવે પર પાણીનો પ્રવાહ તેજ હતો, જેના અંદાજ વિના કાર ચાલકે પસાર થવાનો પ્રયાસ કરતા કાર પાણીના તેજ પ્રવાહમાં તણાઈ ગઈ હતી. ઘટનાની જાણ થતા જ સ્થાનિક તંત્ર અને રાહત બચાવ ટુકડીઓ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી. તાત્કાલિક ધોરણે શોધખોળ અને બચાવ કામગીરી હાથ ધરવામાં આવી હતી.
કોઝવેમાં તણાયેલા 7 લોકોમાંથી 4 લોકોને સુરક્ષિત
મહત્વનું છે કે , કોઝવેમાં તણાયેલા 7 લોકોમાંથી 4 લોકોને સુરક્ષિત બહાર કાઢવામાં સફળતા મળી હતી, જ્યારે 3 વ્યક્તિઓ પાણીના પ્રવાહમાં તણાઈ ગયા હતા. લાંબા સમયથી ચાલી રહેલી શોધખોળ બાદ આજે ત્રીજો મૃતદેહ પણ મળી આવતા, આ દુર્ઘટનામાં કુલ 3 લોકોના કરુણ મોત નિપજ્યા છે. આ ઘટનાથી સમગ્ર પંથકમાં શોકનો માહોલ છવાઈ ગયો છે. તંત્ર દ્વારા લોકોને વરસાદ દરમિયાન આવા કોઝવે કે, નીચાણવાળા પુલ પરથી પસાર ન થવા અને સાવચેતી રાખવા અપીલ કરવામાં આવી છે.









