ચોમાસાની ઋતુમાં મચ્છરજન્ય રોગો, ખાસ કરીને ડેન્ગ્યુ, મલેરિયા, ચિકનગુનિયા વગેરેનો ખતરો વધી જાય છે. બોટાદ જિલ્લાનાં મુખ્ય આરોગ્ય અધિકારી ડો. ભારતીબેન ધોળકિયાએ મચ્છરજન્ય રોગચાળાથી બચવા માટે નાગરિકોને ખાસ સંદેશો આપ્યો છે અને જણાવ્યું હતું કે, "બોટાદ શહેર અને આસપાસનાં ગ્રામ્ય વિસ્તારોમાં મચ્છરજન્ય રોગચાળાના કેસોમાં વધારો ન થાય તે માટે, જિલ્લા આરોગ્ય વિભાગ દ્વારા પણ આરોગ્યલક્ષી કામગીરી કરવામાં આવી રહી છે.
મચ્છરજન્ય રોગચાળાથી બચવું જરૂરી છે
નાગરિકોએ પણ મચ્છરજન્ય રોગચાળાથી બચવા માટે તાત્કાલિક અને જરૂરી સાવચેતીનાં પગલાં લેવા જોઈએ. "સ્વચ્છતા એજ સુરક્ષા"ના સૂત્ર સાથે, આરોગ્ય વિભાગે લોકોને મચ્છર ઉત્પત્તિ અટકાવતી બાબતોનું ધ્યાન રાખવા પર ભાર મૂકયો છે. જિલ્લામાં મચ્છર ઉત્પત્તિ નિયંત્રણ કામગીરી પોરાનાશક, અબેટ એપ્લિકેશન, સોર્સ રીડક્ષન, ડાયફ્લૂબેન્ઝરોન છંટકાવ, બળેલું ઓઇલ છંટકાવ,ફોગીંગ, શંકાસ્પદ મેલેરીયા કેસ નિદાન,IEC વગેરે કામગીરી કરવામાં આવી રહી છે."
ડેન્ગ્યુએ એડીસ મચ્છર કરડવાથી થતો વાયરલ રોગ છે
આ મચ્છરો ચોમાસા દરમિયાન ભરાયેલાં પાણીમાં પ્રજનન કરે છે. ડેન્ગ્યુના લક્ષણોમાં "તીવ્ર તાવ, માથાનો દુખાવો, શરીરમાં દુખાવો, સાંધાનો દુખાવો, અને આંખો પાછળ દુખાવો શામેલ છે. ગંભીર કિસ્સાઓમાં, તે જીવલેણ પણ સાબિત થઈ શકે છે.અત્રે મહત્વનું છે કે, મેલેરિયા એક ચેપી રોગ છે જે મુખ્યત્વે માદા એનોફિલ્સ મચ્છરના કરડવાથી ફેલાય છે. જેમાં શરીરમાં વારંવાર શરદી, તાવ, માથાનો દુખાવો કે કંપારી થાય છે જો આવું જણાય તો તરત જ ડોક્ટર પાસે જઈને મલેરિયા ટેસ્ટ કરાવવો જોઈએ. જો મેલેરિયાની સમયસર સારવાર કરવામાં ન આવે તો તે ગંભીર સ્વરૂપ ધારણ કરી શકે છે, જેનાથી લીવર, કિડની અને મગજ પર પણ અસર થઈ શકે છે.
ચિકનગુનિયા તાવ પણ વાયરસ દ્વારા ફેલાય છે
એડીસ નામનો આ વાયરસ મચ્છરના કરડવાથી ફેલાય છે. જ્યારે ચિકનગુનિયાથી પીડિત વ્યક્તિને મચ્છર કરડે અને પછી તે જ મચ્છર અન્ય વ્યક્તિને કરડે ત્યારે આ આલ્ફા વાયરસ તે મચ્છર દ્વારા બીજામાં ફેલાય છે. અને તે વ્યક્તિ પણ ચિકનગુનિયાથી પીડિત બને છે. માદા મચ્છર Aedes Aegypti અને Aedes Albopictus એ મચ્છરની મુખ્ય પ્રજાતિ છે જે રોગ ફેલાવે છે. આ મચ્છર દિવસ દરમિયાન કરડે છે. ચિકનગુનિયા વાયરસ વહન કરતો એક જ મચ્છર તેનાં જીવનકાળ દરમિયાન લગભગ એક ડઝન લોકોને ચેપ લગાવી શકે છે.
પક્ષીઓ માટે રાખવામાં આવેલાં પાણીનાં કુંડાનું પાણી દરરોજ બદલો
ચિકનગુનિયાના લક્ષણોમાં વધુ તાવ આવે છે, તીવ્ર માથાનો દુખાવો રહે છે, મોઢામાં ચાંદા અને ઉલટી, ભૂખમાં ઘટાડો અને સ્વાદમાં ઘટાડો, ચક્કર અને નબળાઈ, હાથ, પગ અને પીઠમાં તીવ્ર દુખાવો, ફોલ્લીઓ પડી જવી અને સાંધામાં સોજો અને સ્નાયુઓમાં દુખાવો થાય છે. આ તમામ મચ્છરજન્ય રોગોથી બચવા માટે મચ્છર ઉત્પત્તિ અટકાવવી અત્યંત જરૂરી છે તે માટે, ઘરની આસપાસ, કુલર, ફ્લાવર પોટ, જૂના ટાયર, ન વપરાયેલી બોટલો, કુંડા અને અન્ય કોઈપણ પાત્રોમાં પાણી ભરાવા ન દો. અઠવાડિયામાં ઓછામાં ઓછું એકવાર આવા પાત્રોને ખાલી કરીને સૂકવી દેવા જોઈએ. પાણીની ટાંકીઓ, ડોલ અને અન્ય પાણીનાં સંગ્રહ સ્થાનોને હંમેશાં ચુસ્તપણે ઢાંકીને રાખો. કુલરનું પાણી અઠવાડિયામાં એકવાર અવશ્ય બદલો અને કુલરને સાફ કરો. પક્ષીઓ માટે રાખવામાં આવેલાં પાણીનાં કુંડાનું પાણી દરરોજ બદલો. આમ કરવાથી મચ્છર ઉત્પત્તિ અટકશે.
બોટાદ આરોગ્ય વિભાગ દ્વારા તમામ નાગરિકો માટે સાવચેતીના પગલાં અનુસરવા અનુરોધ કરાયો
ઉપરાંત મચ્છર કરડવાથી બચવા માટે શરીર ઢંકાય તેવાં કપડાં પહેરવાં જોઈએ જેમ કે ખાસ કરીને સવાર અને સાંજનાં સમયે જ્યારે મચ્છરો વધુ સક્રિય હોય છે, ત્યારે લાંબી બાંયના શર્ટ અને પેન્ટ પહેરવા જોઈએ. ખાસ કરીને બાળકો અને વૃદ્ધોએ રાત્રે સૂતી વખતે મચ્છરદાનીનો ઉપયોગ કરવો. ખુલ્લા શરીરે મચ્છર ભગાડતી ક્રીમ લગાવી અને ઘરમાં મચ્છર ભગાડતા સ્પ્રે અથવા પ્રવાહીનો ઉપયોગ કરવો જોઈએ. બારી-બારણા પર જાળી લગાવીને મચ્છરોને ઘરમાં પ્રવેશતાં અટકાવા જોઈએ. જો કોઈને પણ મચ્છરજન્ય રોગોના લક્ષણો જણાય, તો તાત્કાલિક નજીકનાં સરકારી દવાખાના અથવા ખાનગી ડોક્ટરનો સંપર્ક કરી યોગ્ય સારવાર લેવી જોઈએ. બોટાદ આરોગ્ય વિભાગ દ્વારા તમામ નાગરિકો માટે સાવચેતીના પગલાં અનુસરવા અનુરોધ કરાયો છે.