બોટાદ એગ્રીકલ્ચર પ્રોડ્યુસ માર્કેટ કમિટી (APMC)માં છેલ્લા ત્રણ દિવસથી ચાલી રહેલા 'કડદા' પ્રથાના વિવાદનો અંત લાવવા માટે APMCના ચેરમેને તાત્કાલિક ધોરણે એક મહત્વપૂર્ણ બેઠક બોલાવી હતી. આ બેઠકમાં વેપારીઓ, કમિશન એજન્ટો અને સેવા સહકારી મંડળીઓના પ્રમુખો હાજર રહ્યા હતા.
બોટાદ APMCમાં કડદા વિવાદ
વિવાદના કારણે બંધ રહેલા માર્કેટિંગ યાર્ડને હવે એકથી બે દિવસમાં ફરીથી શરૂ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે, જેથી ખેડૂતોનો માલ અટકે નહીં. આ બેઠકનું સૌથી મોટું અને ખેડૂતોના હિતમાં લેવાયેલું પગલું એ છે કે ચેરમેન દ્વારા બોટાદ માર્કેટિંગ યાર્ડમાં કડદો પ્રથા ને સંપુર્ણપણે બંધ રાખવાની કડક જાહેરાત કરવામાં આવી છે. કડદા પ્રથા બંધ રહે તેની ખાતરી કરવા માટે, ખેડૂતો દ્વારા લાવવામાં આવતા માલ ઉપર હવે બે ઇન્સ્પેક્ટરોની દેખરેખ રાખવામાં આવશે. આ સાથે જ ચેતવણી આપવામાં આવી છે કે જો કોઈ વેપારી કે કમિશન એજન્ટ 'કડદો' કરતા પકડાશે, તો તેમની સામે કડક કાર્યવાહી કરવામાં આવશે અને તેમનું લાઈસન્સ પણ રદ કરવામાં આવશે.










