બોટાદ જિલ્લાના વિશ્વપ્રસિધ્ધ સાળંગપુર કષ્ટભંજન દેવ હનુમાનજી મંદિરની નજીક લારી-ગલ્લા સહિતના સ્ટોલ્સ-વિક્રેતાઓ પર સરકારના સત્તાવાળાઓ દ્વારા ફરમાવેલા પ્રતિબંધને પડકારતી ગુજરાત હાઇકોર્ટ સમક્ષ કરાયેલી રિટ અરજીની સુનાવણીમાં જસ્ટિસ નિરલ આર.મહેતાએ સત્તાવાળાઓના આ નિર્ણયમાં દરમ્યાનગીરી કરવાનો સાફ્ ઇન્કાર કરી દીધો હતો.
સાળંગપુર કષ્ટભંજન દેવ હનુમાનજી મંદિરના આસપાસના સ્થાનિક વિક્રેતાઓ દ્વારા કરાયેલી રિટ અરજીમાં એ મતલબની રજૂઆત કરવામાં આવી હતી કે, બોટાદ પોલીસ દ્વારા ગુજરાત પોલીસ અધિનિયમ-1951ની કલમ33-ડી હેઠળ તાજેતરમાં એક જાહેરનામું જારી કરી તહેવારોના સમયગાળા દરમ્યાન કાયદો અને વ્યવસ્થાના તથા સુરક્ષા અને ટ્રાફ્કિ નિયમનના કારણોસર તા.10 નવેમ્બર સુધી મંદિરના મુખ્ય માર્ગ અને નજીના લારી-ગલ્લા અને ફેરિયાઓ-વિક્રેતાઓને વાણિજ્યિક પ્રવૃત્તિ પર પ્રતિબંધ ફ્રમાવી દીધો છે, જેના કારણે, વર્ષોથી અહીં ધંધો-વેપાર કરી ગુજરાન-પેટિયુ રળતાં નાના માણસોને જીવન મરણનો સવાલ થયો છે. સત્તાવાળાઓના આ જાહેરનામાંથી તેમની આજીવિકા છીનવાઇ ગઇ છે, તેથી હાઇકોર્ટે યોગ્ય હુકમ કરવો જોઇએ.










