શ્રી શિક્ષાપત્રી લેખન એવં આચાર્યપદ સ્થાપન દ્વિશતાબ્દી મહોત્સવ વડતાલધામના ઉપક્રમે સ્વામિનારાયણ મંદિર વડતાલધામ સંચાલિત સુપ્રસિદ્ધ યાત્રાધામ સાળંગપુરધામ શ્રીકષ્ટભંજનદેવ હનુમાનજી મંદિર ખાતે સ્વામી શ્રીહરિપ્રકાશદાસજી (અથાણાવાળા)ની પ્રેરણાથી તેમજ કોઠારી વિવેકસાગરદાસજી સ્વામીના માર્ગદર્શનથી શ્રાવણ માસના તા.11-08-2025ને સોમવારના રોજ શ્રીકષ્ટભંજનદેવ હનુમાનજીને અમરનાથની થીમનો શણગાર કરાયો.
દાદાના સિંહાસને અમરનાથ શિવલિંગની પ્રતિકૃતિ બનાવી છે
આજે સવારે 5:45 કલાકે શણગાર આરતી પૂજારી સ્વામી(અથાણાવાળા)દ્વારા કરવામાં આવી હતી. આ અનેરા દર્શનનૉ લાભ અનેક ભક્તોએ પ્રત્યક્ષ તેમજ ઓનલાઈન લઈ ધન્યતાનો અનુભવ કરેલ. આજે હનુમાનજીને કરાયેલા શણગાર વિશે પૂજારી સ્વામીએ જણાવ્યું કે, આજે શ્રાવણ મહિનાના પવિત્ર સોમવારના દિવસે શ્રીકષ્ટભંજનદેવ હનુમાનજીને અમરનાથની થીમવાળા વિશેષ વાઘા પહેરાવ્યા છે. આ વાઘા એક અઠવાડિયાની મહેનતે એક હરિભક્તે સુરતથી મોકલ્યા છે. તો દાદાના સિંહાસને અમરનાથ શિવલિંગની પ્રતિકૃતિ બનાવી છે. મહત્ત્વનું છે કે, આ શણગાર કરતા 6 સંતો, પાર્ષદ અને ભક્તોને 4 કલાકનો સમય લાગ્યો હતો.

શ્રી હનુમાન ચાલીસા પાઠ અનુષ્ઠાન દરરોજ પવિત્ર બ્રાહ્મણો દ્વારા કરવામાં આવે છે
પવિત્ર શ્રાવણ માસ દરમિયાન તા.25-07-2025 થી તા.28-08-2025 સુધી શ્રીકષ્ટભંજનદેવ હનુમાનજી મંદિર સાળંગપુરધામ દ્વારા અનેકવિધ કાર્યક્રમો અંતર્ગત દિવ્ય શણગાર - દર શનિવારે ફુટ અન્નકૂટ,છપન્ન ભોગ અન્નકૂટ, ચોકલેટ અન્નકૂટ,ડ્રાયફ્રુટ મીઠાઈ અન્નકૂટ જેવા અનેક દિવ્ય અન્નકૂટ- સવારે -સાંજે સંગીતમય સુંદરરકાંડ પાઠ-દૈનિક મારુતિ યજ્ઞ- ષોડશોપચાર પૂજન અને મહા સંધ્યા આરતી -રાજોપચાર પૂજન અને મહા સંધ્યા આરતી - શ્રી કૃષ્ણ જન્મોત્સવ -દર સોમવારે શિવ સ્વરૂપ દિવ્ય શણગાર-શ્રીહરિ મંદિરમાં હિંડોળા દર્શનનું આયોજન કરવામાં આવ્યું છે.શ્રાવણ માસ દરમિયાન શ્રી હનુમાન ચાલીસા પાઠ અનુષ્ઠાન દરરોજ પવિત્ર બ્રાહ્મણો દ્વારા કરવામાં આવે છે. સવારે 7 થી સાંજે 6 દરમિયાન કરવામાં આવે છે.









