બોટાદ APMCમાં ખેડૂતો પાસેથી કપાસની ખરીદીમાં ગેરકાયદેસર 'કડદા' વિવાદે હિંસક સ્વરૂપ ધારણ કર્યું છે. APMC દ્વારા કડદો પ્રથા બંધ કરવાની જાહેરાત છતાં, આ વિવાદ હવે ઉગ્ર બની રહ્યો છે. આ સમગ્ર વિવાદ વચ્ચે, ખેડૂત નેતા રાજુ કરપડાએ બોટાદના હડદડ ગામ ખાતે ખેડૂતોની એક મહાપંચાયતનું આયોજન કર્યું હતું. જોકે, પોલીસે કાયદો અને વ્યવસ્થાના કારણોસર આ મહાપંચાયતને મંજૂરી આપી ન હતી.
પથ્થરમારો કરનાર કેટલાક લોકોની અટકાયત
જ્યારે પોલીસની ટીમ આ ગેરકાયદેસર મહાપંચાયતને અટકાવવા માટે હડદડ ગામે પહોંચી, ત્યારે ત્યાં હાજર લોકોના ટોળાએ સીધો પથ્થરમારો શરૂ કરી દીધો હતો. આ હિંસક ઘટનામાં ટોળાએ પોલીસની ફરજમાં અવરોધ ઊભો કર્યો હતો અને પોલીસની એક કારને પણ ઉથલાવી દીધી હતી. પરિસ્થિતિને નિયંત્રણમાં લેવા અને ગુસ્સે ભરાયેલા ટોળાને વિખેરવા માટે પોલીસે આખરે ટીયર ગેસના સેલ છોડવાની ફરજ પડી હતી.
હાલ પરિસ્થિતિ નિયંત્રણમાં છેઃSP
આ સમગ્ર ઘટના અંગે બોટાદના પોલીસ અધિક્ષક (SP) દ્વારા નિવેદન આપવામાં આવ્યું હતું કે, "લોકોએ સીધો પથ્થરમારો શરૂ કર્યો હતો." જોકે, તેમણે ઉમેર્યું હતું કે "હાલ પરિસ્થિતિ નિયંત્રણમાં છે." પોલીસે આ હુમલામાં સામેલ કેટલાક લોકોની અટકાયત પણ કરી છે. ઉલ્લેખનીય છે કે, વિવાદને પગલે બે દિવસ પહેલા પોલીસે રાજુ કરપડાની પણ અટકાયત કરી હતી. હડદડ ગામની પરિસ્થિતિ વણસતા, વધુ અનિચ્છનીય બનાવ ન બને તે માટે તાત્કાલિક ધોરણે વધુ પોલીસ ફોર્સ બોલાવવામાં આવી છે અને સમગ્ર વિસ્તારમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે.
હુમલામાં અનેક પોલીસકર્મીઓ ગંભીર રીતે ઈજાગ્રસ્ત
બોટાદ APMCના 'કડદા' વિવાદને લઈને હડદડ ગામમાં યોજાયેલી ગેરકાયદેસર મહાપંચાયત દરમિયાન પોલીસ પર થયેલા હુમલામાં અનેક પોલીસકર્મીઓ ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા છે. આ હિંસક પથ્થરમારામાં બોટાદના DySP મહર્ષિ રાવલ સહિત LCB PI એ. જી. સોલંકી અને અન્ય ચારથી વધુ પોલીસકર્મીઓ ઈજાગ્રસ્ત થયા છે. DySP મહર્ષિ રાવલને પગે ફેક્ચર થયું છે, જ્યારે LCB PI એ. જી. સોલંકીને માથાના ભાગે ઈજા થતાં સાત ટાંકા લેવા પડ્યા છે. તમામ ઈજાગ્રસ્ત પોલીસકર્મીઓને તાત્કાલિક સારવાર માટે સોનાવાલા હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે. પોલીસે હુમલો કરનારા સામે કડક કાર્યવાહી હાથ ધરી છે.