વડોદરાના પાદરામાં આજે 09મી જુલાઈએ સવારે ગંભીરા બ્રિજના બે પિલ્લર વચ્ચેનો સ્લેબ ધસી પડતાં દુર્ઘટના સર્જાઈ હતી. આ ઘટનામાં 9 લોકોના મોત થયા હોવાની વિગતો મળી છે. આજે ગાંધીનગર ખાતે મુખ્યમંત્રીની અધ્યક્ષતામાં યોજાયેલી કેબિનેટની બેઠકમાં આ દુર્ઘટના અંગે ચર્ચાઓ કરવામાં આવી હતી. મુખ્યમંત્રીએ દુર્ઘટના અંગે તપાસના આદેશ આપ્યા છે. કેબિનેટની બેઠક બાદ મુખ્યમંત્રીએ અધિકારીઓ સાથે બેઠક કરી હતી. આ બેઠકમાં રાજ્યમાં અન્ય જર્જરિત થયેલા બ્રિજની વિગતો માંગી હતી. માર્ગ અને મકાન વિભાગને રિપોર્ટ સોંપવા આદેશ કર્યો હતો.
23 ગાળા પૈકીનો 1 ગાળો તૂટી પડવાથી સર્જાયેલી દુર્ઘટના દુ:ખદ
મુખ્યમંત્રીએ ટ્વિટ કરીને કહ્યું હતું કે, આણંદ અને વડોદરાને જોડતા ગંભીરા બ્રિજના 23 ગાળા પૈકીનો 1 ગાળો તૂટી પડવાથી સર્જાયેલી દુર્ઘટના દુ:ખદ છે. દુર્ઘટનામાં જીવ ગુમાવનાર મૃતકોના આત્માની શાંતિ અર્થે પ્રાર્થના કરું છું. ઇજાગ્રસ્ત થયેલા લોકોની તત્કાલ સારવાર વ્યવસ્થા માટે વડોદરા કલેકટર સાથે વાતચીત કરીને અગ્રતા ક્રમે પ્રબંધ કરવાની સૂચનાઓ આપી છે. દુર્ઘટના સ્થળે બચાવ રાહત કામગીરી માટે સ્થાનિક નગરપાલિકા અને વડોદરા મહાનગરપાલિકાની ફાયરબ્રિગેડ ટીમ બોટ્સ અને તરવૈયાઓ સાથે કાર્યરત છે, તેમજ NDRF ની ટીમ પણ ઘટના સ્થળે પહોંચીને બચાવ કામગીરીમાં જોડાઈ છે.
માર્ગ મકાન વિભાગને તાત્કાલિક તપાસના આદેશો આપ્યા
આ દુર્ઘટના અંગે માર્ગ મકાન વિભાગને તાત્કાલિક તપાસના આદેશો આપ્યા છે.આ માટે ચીફ એન્જિનિયર - ડિઝાઇન તથા ચીફ ઇજનેર- સાઉથ ગુજરાત અને પૂલ નિર્માણમાં નિષ્ણાત અન્ય બે ખાનગી ઇજનેરોની ટીમને તાત્કાલિક ઘટના સ્થળે પહોંચીને બ્રિજ તૂટી પડવાના કારણો તથા અન્ય ટેકનિકલ બાબતો પર પ્રાથમિક તપાસ હાથ ધરી અહેવાલ આપવા સૂચના આપી છે. ગૃહરાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ કહ્યું હતું કે, બ્રિજ દુર્ઘટનામાં 9 લોકોનાં મોત થયાં છે.6 લોકોને રેસ્ક્યૂ કરવામાં આવ્યા છે.એક્સપર્ટની ટીમ તાત્કાલીક રવાના કરાઇ છે. તપાસની સૂચના આપી છે