વડોદરાના પાદરામાં ગંભીરા બ્રિજ તૂટી જતાં 20થી વધુ લોકોના મોત નિપજ્યાં છે. જ્યારે કેટલાક લોકો ઈજાગ્રસ્ત થયાં છે. આ ઘટના બાદ સરકારના મંત્રી ઋષિકેશ પટેલે નિવેદન આપ્યું હતું કે, બ્રિજ નવો બનાવવા માટે સરકારે 212 કરોડ રૂપિયા મંજૂર કર્યા હતાં. હવે સરકારે એવી જાહેરાત કરી છે કે, મુંજપુર પાસે મહી નદી પર 212 કરોડના ખર્ચે નવો ટુ લેન બ્રિજ બનાવવા માટે રાજ્ય સરકારે તાબડતોબ મંજૂરી આપી છે.
નવો ટુ લેન પૂલ બનાવવા માટેની માર્ગ અને મકાનને વહીવટી મંજૂરી
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વડોદરા જિલ્લાના પાદરા તાલુકાના મુજપૂર પાસે મહી નદી ઉપર નવો ટુ લેન પૂલ બનાવવા માટેની માર્ગ અને મકાનને વહીવટી મંજૂરી આપી છે. આ પૂર પાદરા અને આંકલાવને જોડશે.દુર્ઘટનાગ્રસ્ત પૂલની સમાંતર બનનારા આ નવા પૂલ માટે માર્ગ અને મકાન વિભાગ દ્વારા તાજેતરમાં સર્વે કરી ડિટેઇલ પ્રોજેક્ટ રિપોર્ટ તૈયાર કરવામાં આવ્યો હતો. ત્યાં નવો પૂલ બનાવવાની કાર્યવાહી આદરવામાં આવી હતી.એ દરમિયાન અહીં પૂલ તૂટી પડવાની દુર્ઘટના બનતા મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્રને પરિવહનથી જોડવા ઉપરાંત સ્થાનિકને રોજગારીના પ્રશ્નો, છાત્રોને આવાગમનના પ્રશ્નો સર્જાયા હતા.
ટેન્ડરિંગ પ્રક્રીયા પણ આરંભી દેવામાં આવી
માર્ગ અને મકાન વિભાગના અધિક્ષક ઇજનેર એન.વી.રાઠવાએ જણાવ્યું કે, મુજપૂર એપ્રોચ રોડ હાલમાં જે ટુ લેન છે એને ફોર લેન કરી 7 મિટરનો કરવાનું આયોજન કરવામાં આવ્યું છે.હાઇવેથી પૂલ સુધી પહોંચવાના 4.2 કિલોમિટર માર્ગને ફોર લેન કરવામાં આવશે.દુર્ઘટનાગ્રસ્ત પૂલની સમાંતર નવો ટુ લેન હાઇલેવલ પૂલ બનાવવામાં આવશે. આ બન્ને કામ માટે મુખ્યમંત્રીદ્વારા 212 કરોડની વહીવટી મંજૂરી પ્રદાન કરવામાં આવી છે. પૂલ બનાવવાની કામગીરી 18 માસમાં પૂર્ણ કરવામાં આવશે.એની ટેન્ડરિંગ પ્રક્રીયા પણ આરંભી દેવામાં આવી છે.
અનેક લોકોએ અધિકારીઓ અને વિભાગને રજૂઆતો કરી હતી
ગંભીરા બ્રિજ અંગે અનેક લોકોએ અધિકારીઓ અને વિભાગને રજૂઆતો કરી હતી. મુંજપુરના આગેવાનોએ પણ અધિકારીઓને રજૂઆતો કરી હતી. અધિકારીઓએ બ્રિજનું ટેસ્ટિંગ પણ કર્યું હતું. આ સિવાય રાજ્ય સરકારે પણ આ બ્રિજ નવો બનાવવા માટે 212 કરોડ મંજૂર કર્યા હતાં. પરંતુ કયા કારણોસર બ્રિજ ના બની શક્યો એ સૌથી મોટો સવાલ છે. કોણે આ બ્રિજનું કામ અટકાવ્યું હતું એ સવાલ પણ હાલ લોકચર્ચામાં છે. ત્યારે સરકાર હવે આ બ્રિજની સમાંતર નવો ટુ લેન બ્રિજ બનાવવા માટે 212 કરોડ ખર્ચ કરવાની વાત કરે છે.