વડોદરાના પાદરામાં આવેલા ગંભીરા બ્રિજની દુર્ઘટના બાદ હવે સરકારનું મોટું નિવેદન સામે આવ્યું છે. રાજ્યના પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલે કહ્યું કે ગંભીરા બ્રિજમાં ક્યાંક ચૂક થઈ છે. સંદેશ ન્યૂઝના સવાલ પર પ્રવક્તા મંત્રીએ આ જવાબ આપ્યો છે. વધુમાં પ્રવક્તા મંત્રીએ કહ્યું કે રૂપિયા 212 કરોડના ખર્ચે ગંભીરા બ્રિજનું ટેન્ડર કર્યું છે. હવે ત્રણ માસમાં કામ શરૂ કરી દેવામાં આવશે. એક વર્ષમાં બ્રિજનું કામ પૂર્ણ કરવા સૂચના આપવામાં આવી છે.
ઇજાગ્રસ્તોની મુલાકાતે પહોંચ્યા હતા આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ
તમને જણાવી દઈએ કે વડોદરા જિલ્લાના પાદરામાં ગંભીરાને બ્રિજ તૂટવાની દુર્ઘટનામાં ઈજાગ્રસ્ત થયેલા નાગરિકોની ગુજરાત રાજ્યના આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે વડોદરા શહેરની એસ.એસ.જી. હોસ્પિટલ ખાતે રૂબરૂ મુલાકાત લીધી હતી. આ મુલાકાત દરમિયાન, મંત્રીએ ઈજાગ્રસ્તોના ખબર અંતર પૂછ્યા હતા અને તેમને શ્રેષ્ઠ સારવાર મળી રહે તે સુનિશ્ચિત કરવા હોસ્પિટલ તંત્રને જરૂરી સૂચનાઓ આપી હતી. આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે ઇજાગ્રસ્તો સાથે સંવાદ કરતા જણાવ્યું હતું કે, રાજ્ય સરકાર આ દુર્ઘટનાથી પ્રભાવિત થયેલા તમામની પડખે મજબૂતીથી ઊભી છે. ઇજાગ્રસ્તોને તાત્કાલિક અને યોગ્ય તબીબી સહાય પૂરી પાડવામાં આવી રહી છે, અને તેમના ઝડપી સ્વસ્થ થવા માટે તમામ શક્ય પ્રયાસો કરવામાં આવશે.
ગંભીરા બ્રિજ મુદ્દે CMએ કરી લાલ આંખ
બીજી તરફ ગંભીરા બ્રિજ મુદ્દે અધિકારીઓ સામે CMએ લાલ આંખ કરી છે. બ્રિજ દુર્ઘટનામાં અધિકારીઓનો ઉધડો લેવામાં આવ્યો છે. બ્રિજ અંગે જૂન મહિનામાં જ રિપોર્ટ કરવામાં આવ્યો હતો. રિપોર્ટમાં સબ સલામત હોવાનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે, તેવું સુત્રો જણાવી રહ્યા છે. ત્યારે મુખ્યપ્રધાને કહ્યું કે જવાબદાર અધિકારીઓ સામે પગલા લેવામાં આવશે.









