આજે એર ઇન્ડિયાના સંચાલનમાં મોટી ખામી સર્જાતા દેશભરના એરપોર્ટ પર મુસાફરોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. પ્રાપ્ત માહિતી અનુસાર, એર ઇન્ડિયાના મુખ્ય સર્વરમાં નેટવર્ક ઇશ્યૂ ને કારણે ખામી સર્જાઇ હતી, જેના પરિણામે 1 કલાકથી વધુ સમય માટે સર્વર ડાઉન થઈ ગયું હતું. આ ટેક્નિકલ ખામીને કારણે એર ઇન્ડિયાની સમગ્ર ઓનલાઈન ચેક-ઇન અને બોર્ડિંગ સિસ્ટમ ઠપ્પ થઈ ગઈ હતી, જેના કારણે સમગ્ર ફ્લાઇટ સંચાલન ખોરવાઈ ગયું હતું.


ફ્લાઇટના શિડ્યુઅલ ખોરવાયા, મુસાફરો પરેશાન

સર્વર ડાઉન થવાની સીધી અસર ફ્લાઇટના શિડ્યુઅલ પર પડી હતી. સમયસર ચેક-ઇન ન થવાને કારણે એર ઇન્ડિયાની અનેક ફ્લાઇટો તેમના નિર્ધારિત સમય કરતાં વિલંબથી ઊડાન ભરી શકી હતી, જેનાથી મુસાફરોની હાલાકી વધી હતી. દેશના મુખ્ય એરપોર્ટ પર મુસાફરો લાંબો સમય સુધી રાહ જોતા જોવા મળ્યા હતા. ફ્લાઇટના વિલંબના કારણે એરપોર્ટ પર પરેશાન મુસાફરોની ફરિયાદોનો ઢગલો થયો હતો અને અરાજકતાનો માહોલ સર્જાયો હતો. મુસાફરી કરવા આવેલા લોકોને ચેક-ઇન માટે લાંબી કતારોમાં ઊભા રહેવું પડ્યું હતું.

સર્વરમાં ખામીને કારણે મેન્યુઅલ ચેક-ઇનનો સહારો

ટેક્નિકલ ખામીને કારણે પેદા થયેલી ગંભીર પરિસ્થિતિને નિયંત્રિત કરવા માટે એર ઇન્ડિયાના સ્ટાફે તાત્કાલિક ધોરણે મેન્યુઅલ ચેક-ઇન પ્રક્રિયા શરૂ કરી હતી. સર્વર ચાલુ ન થાય ત્યાં સુધી મુસાફરોને બોર્ડિંગ પાસ આપવા અને તેમની બેગેજ સ્વીકારવા માટે મેન્યુઅલ સિસ્ટમનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. જોકે, આ મેન્યુઅલ પ્રક્રિયા સમય માંગી લે તેવી હોવાથી વિલંબને સંપૂર્ણપણે ટાળી શકાયો ન હતો. આ ઘટનાએ એર ઇન્ડિયાની ડિજિટલ સિસ્ટમમાં તાત્કાલિક સુધારાની જરૂરિયાત ઊભી કરી છે, જેથી ભવિષ્યમાં આવી ટેક્નિકલ ખામીઓના કારણે મુસાફરોને હાલાકી ન ભોગવવી પડે.


  • Follow us on: