ગુજરાતના નર્મદા જિલ્લાના પ્રતાપનગર ગામમાંથી નીકળેલા નિરંજન એસ. શાહે અમેરિકામાં એન્જિનિયરિંગ અને જાહેર સેવા ક્ષેત્રે પોતાની આગવી ઓળખ બનાવી છે. સરદાર વલ્લભભાઈ પટેલની 151મી જન્મજયંતિ નિમિત્તે સરદાર પટેલ યુનિવર્સિટીના પૂર્વ વિદ્યાર્થી સમુદાયે તેમને 'ડિસ્ટિંગ્વિશ્ડ એલ્યુમ્નસ' એટલે કે વિશિષ્ટ પૂર્વ વિદ્યાર્થી તરીકે સન્માનિત કર્યા છે. તેમની પાંચ દાયકાથી વધુ લાંબી કારકિર્દી અને સમાજ માટેના યોગદાનને ધ્યાનમાં રાખીને આ સન્માન આપવામાં આવ્યું છે. આ પ્રસંગે અમેરિકામાં પણ તેમને વિશેષ માન્યતા મળી છે. અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ જો બાઇડને નિરંજન શાહને સન્માનિત કરતો અને સરદાર પટેલની વિરાસતને યાદ કરતો પત્ર પાઠવ્યો હતો. ઇલિનોઇસના સેક્રેટરી ઓફ સ્ટેટ એલેક્સી જિયાનૂલિયાસે સરદાર પટેલની જન્મજયંતિ અને નિરંજન શાહના યોગદાનને માન્યતા આપતું જાહેરનામું બહાર પાડ્યું હતું. જ્યારે શિકાગોના મેયર બ્રાન્ડન જૉનસને શહેરના વિકાસમાં શાહના યોગદાનની પ્રશંસા કરતું જાહેરનામું જાહેર કર્યું હતું.
પ્રતાપનગરથી શરૂ થઈ સફર
નિરંજન શાહનો ઉછેર નર્મદા જિલ્લાના પ્રતાપનગર ગામમાં સામાન્ય આર્થિક પરિસ્થિતિમાં થયો હતો. તેમણે 1967માં વલ્લભ વિદ્યાનગરની બિરલા વિશ્વકર્મા મહાવિદ્યાલય (BVM)માંથી એન્જિનિયરિંગની પદવી મેળવી હતી. તેમના અભ્યાસ માટે પરિવારની સાથે ગામના લોકોએ પણ મદદ કરી હતી. શાહે એક પ્રસંગ યાદ કરતાં જણાવ્યું હતું કે જ્યારે તેઓ વધુ અભ્યાસ માટે ગામ છોડીને નીકળ્યા ત્યારે 200થી વધુ લોકો તેમને વિદાય આપવા બસ સ્ટેન્ડ પર આવ્યા હતા. ગામના લોકોએ પોતાની ક્ષમતા પ્રમાણે કોઈએ 1, કોઈએ 2 તો કોઈએ 5 રૂપિયા આપ્યા હતા અને કપાળે તિલક કરીને આશીર્વાદ આપ્યા હતા. શાહના મતે, તેમની સફળતામાં આ લોકો અને ગામની ભૂમિકા ક્યારેય ભૂલી શકાય તેમ નથી.

શિકાગોના મોટા પ્રોજેક્ટ્સમાં યોગદાન
અમેરિકા પહોંચ્યા બાદ નિરંજન શાહે શિકાગોમાં પોતાની કારકિર્દી આગળ વધારી હતી. વર્ષ 1974માં તેમણે ગ્લોબટ્રોટર્સ એન્જિનિયરિંગ કોર્પોરેશનની સહ-સ્થાપના કરી હતી. પાંચ દાયકાથી વધુ સમય દરમિયાન તેમની કંપનીએ શિકાગરના અનેક મહત્વપૂર્ણ ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ્સમાં યોગદાન આપ્યું છે. આ પ્રોજેક્ટ્સમાં ડીપ ટનલ, નેવી પિયર, મેકકોર્મિક પ્લેસ, જૉન એચ. સ્ટ્રોગર જુનિયર હોસ્પિટલ અને ઓ'હેર આંતરરાષ્ટ્રીય એરપોર્ટનો સમાવેશ થાય છે. કંપનીને ડીપ ટનલ પ્રોજેક્ટ માટે અમેરિકન સોસાયટી ઓફ સિવિલ એન્જિનિયર્સનો 'આઉટસ્ટેન્ડિંગ સિવિલ એન્જિનિયરિંગ એચીવમેન્ટ એવોર્ડ' પણ મળ્યો હતો.

અમેરિકામાં જાહેર સેવા માટે પણ ઓળખ
નિરંજન શાહની ઓળખ માત્ર એન્જિનિયર કે ઉદ્યોગસાહસિક તરીકે મર્યાદિત નથી. અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ બિલ ક્લિન્ટનના કાર્યકાળ દરમિયાન તેમની નિમણૂક બેરી ગોલ્ડવોટર સ્કોલરશિપ એન્ડ એક્સેલન્સ ઇન એજ્યુકેશન ફાઉન્ડેશનના બોર્ડ ઓફ ટ્રસ્ટીઝમાં કરવામાં આવી હતી. આ નિમણૂક માટે અમેરિકાની સેનેટની મંજૂરી પણ મળી હતી. તેમને નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ બિલ્ડિંગ સાયન્સિસમાં પણ જવાબદારી સોંપવામાં આવી હતી. તેમને એલિસ આઇલેન્ડ મેડલ ઓફ ઓનર અને ભારત સરકારનો પ્રવાસી ભારતીય સન્માન પુરસ્કાર પણ મળ્યો છે. આ પુરસ્કાર તેમને સમુદાય નેતૃત્વ માટે તત્કાલીન રાષ્ટ્રપતિ ડૉ. એ.પી.જે. અબ્દુલ કલામના હસ્તે આપવામાં આવ્યો હતો.

સરદાર પટેલને સાચી શ્રદ્ધાંજલિ શું હશે?
સરદાર વલ્લભભાઈ પટેલનું સ્વપ્ન માત્ર એક અખંડ ભારતનું નિર્માણ કરવાનું નહોતું, પરંતુ દેશના દરેક નાગરિકને આગળ વધવાની તક મળે તેવું મજબૂત રાષ્ટ્ર બનાવવાનું પણ હતું. તેઓ માનતા હતા કે દેશની પ્રગતિ માટે શિક્ષણ, એકતા અને સામૂહિક જવાબદારી ખૂબ જરૂરી છે. નિરંજન શાહે પણ પોતાની સફર દ્વારા આ જ મૂલ્યોને આગળ વધારવાનો સંદેશ આપ્યો છે. તેમણે કહ્યું હતું કે જો તેમની જીવનયાત્રા 10 યુવાનોને પણ પોતાનાં સપનાં પર વિશ્વાસ કરવાની પ્રેરણા આપે, તો તે સરદાર પટેલને સાચી શ્રદ્ધાંજલિ ગણાશે. વ્યક્તિગત સફળતા કરતાં સમાજ માટે નવી તકો ઊભી કરવી અને આગામી પેઢીને આગળ વધવામાં મદદ કરવી એ જ તેમની દૃષ્ટિએ સરદાર પટેલના વિચારોને જીવંત રાખવાનો સાચો માર્ગ છે.

શાહની પુત્રી સ્મિતા શાહ પણ ભારત અને અમેરિકા વચ્ચેના સંબંધોને મજબૂત બનાવવાના પ્રયાસો સાથે જોડાયેલી છે. તેઓ શિકાગો સિસ્ટર સિટીઝ ઇન્ટરનેશનલની દિલ્હી સમિતિનાં અધ્યક્ષ છે. નિરંજન શાહે પોતાની સફરનો સાર આપતાં કહ્યું હતું કે તેમની કહાની માત્ર વ્યક્તિગત સફળતાની નથી, પરંતુ શિક્ષણ, સહકાર, સમાજને પાછું આપવાની ભાવના અને આવનારી પેઢી માટે નવી તકો ઊભી કરવાની છે.
આ પણ વાંચો: Ahmedabad News : દિવાળી વેકેશનમાં ડાક્ટરોની ચિંતા છોડો! AMA દ્વારા ફોન પર જ મળી રહેશે નિઃશુલ્ક તબીબી સલાહ