ગિફ્ટ સિટી આઇએફએસસીમાં ફંડ્સ કમિટમેન્ટ્સ વર્ષ 2030 સુધીમાં 100 અબજ યુએસ ડોલરને પાર કરી જશે તેવી સંભાવના છે, એમ અગ્રણી ઓલ્ટરનેટિવ ઇન્વેસ્ટમેન્ટ્સ પ્લેટફોર્મ પીએમએસ બાઝારે અંદાજ વ્યક્ત કર્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી જ્યારે ગુજરાતના મુખ્ય પ્રધાન હતા ત્યારે કલ્પના કરાયેલી ગિફ્ટ સિટી આજે ગ્લોબલ ફાઈનાન્શિયલ હબ તરીકે ઉભરી આવેલી ભારતની મહત્વાકાંક્ષાનું પ્રતીક બની ગઈ છે.
ફંડ મેનેજમેન્ટ ક્ષેત્રે સારી સંભાવનાઓ ગિફ્ટ સિટીને ભારતની ક્રોસ-બોર્ડર વેલ્થ સ્ટ્રેટેજીના કેન્દ્રમાં મૂકી
30 જૂન, 2025 સુધીમાં 177 ફંડ મેનેજમેન્ટ કંપનીઓ અને કેટેગરી 1, 2, 3 એઆઈએફ અને વેન્ચર કેપિટલ સ્કીમ્સ સહિત 270થી વધુ ફંડ્સ/સ્કીમ્સ આઈએફએસસીમાં નોંધાઈ ચૂકી છે. એક વર્ષમાં લગભગ ત્રણ ગણા કમિટમેન્ટ્સ મેળવનાર કેટેગરી 3 એઆઈએફ જૂન, 2025 સુધીમાં 10.15 અબજ યુએસ ડોલરે પહોંચ્યા છે. આ આંકડા સતત વધતાં રોકાણની સાથે ફંડ મેનેજમેન્ટ ક્ષેત્રે સારી સંભાવનાઓ ગિફ્ટ સિટીને ભારતની ક્રોસ-બોર્ડર વેલ્થ સ્ટ્રેટેજીના કેન્દ્રમાં મૂકી રહી છે. ઈન્ટરનેશનલ ફાઇનાન્શિયલ સર્વિસીઝ સેન્ટર્સ ઓથોરિટી (આઈએફએસસીએ)ના ડેટા મુજબ જૂન 2025 સુધીમાં કુલ એસેટ મેનેજમેન્ટ કમિટમેન્ટ્સ અને એયુએમ 23.5 અબજ યુએસ ડોલરે રહી હતી. 35 ટકાના અંદાજિત વૃદ્ધિદર સાથે તે 2030 સુધીમાં 100 અબજ યુએસ ડોલરનો આંક વટાવે તેવી સંભાવના છે. આ અંદાજો ફાઇનાન્સ એક્ટ 2025 હેઠળ રજૂ કરાયેલા સક્ષમ સુધારાઓ પર આધારિત છે, જેનાથી ભારત અને ગિફ્ટ આઈએફએસસીની ગ્લોબલ ફંડ મેનેજમેન્ટ હબ તરીકેની સ્પર્ધાત્મકતામાં નોંધપાત્ર વધારો થયો છે.
ગિફ્ટ સિટી ભારતની વૈશ્વિક નાણાકીય સફરના મોખરે
ગિફ્ટ સિટીના મેનેજિંગ ડિરેક્ટર અને ગ્રુપ સીઈઓ, આઇએએસ, સંજય કૌલએ જણાવ્યું હતું કે, ગિફ્ટ સિટી ભારતની વૈશ્વિક નાણાકીય સફરના મોખરે છે. મજબૂત નિયમનકારી માળખું, કરવેરા-સક્ષમ માળખા અને વધતી આંતરરાષ્ટ્રીય રોકાણકાર સહભાગિતા સાથે અમે ન કેવળ ફંડ મેનેજમેન્ટ માટેની એક ઇકોસિસ્ટમ ઊભી કરી રહ્યા છીએ, પરંતુ ગ્લોબલ ફાઇનાન્શિયલ આર્કિટેક્ચરમાં ભારતની સ્થિતિને આકાર આપી રહ્યા છીએ. ફંડ અંગેના કમિટમેન્ટ્સ ગિફ્ટ સિટીમાં વૈશ્વિક રોકાણકારોનો વિશ્વાસ દર્શાવે છે. ગિફ્ટ સિટી એ માત્ર કોન્સેપ્ટ જ નહીં, પરંતુ કેટલિસ્ટ છે. નીતિઓ અંગેની સ્પષ્ટતા તથા એનઆરઆઈ અને વૈશ્વિક રોકાણકારોની રૂચિ સાથે ભારત અહીં ઘરઆંગણે જ 100 અબજ યુએસ ડોલરનું ગ્લોબલ ફંડ મેનેજમેન્ટ હબ ઉભું કરવાની તક ધરાવે છે, એમ પીએમએસ બાઝારના સ્થાપક આર.પલ્લવરાજને જણાવ્યું હતું.
ગિફ્ટ સિટી આગામી ગ્લોબલ ફંડ મેનેજમેન્ટ હબ તરીકે ઉભરી આવવા માટે તૈયાર
ગિફ્ટ સિટી સાથેના સહયોગમાં પીએમએસ બાઝાર 22મી ઓગસ્ટે ગાંધીનગરમાં રેડિસનમાં ગિફ્ટ સિટી ક્લબ ખાતે ગિફ્ટ સિટી ફંડ્સ કોન્ક્લેવ 2025નું આયોજન કરી રહી છે. આ કોન્ક્લેવમાં ભારતની ફંડ મેનેજમેન્ટ ઇકોસિસ્ટમના ભવિષ્ય અંગે ચર્ચા કરવા માટે નીતિ ઘડનારાઓ, ફંડ મેનેજર્સ અને એનઆરઆઈ તથા ગ્લોબલ ઇન્વેસ્ટર્સ એકત્રિત થશે.આ કોન્ક્લેવના એજન્ડામાં ગિફ્ટ સિટીના તાજેતરમાં નિમાયેલા એમડી અને ગ્રુપ સીઈઓ સંજય કૌલ, આઈએએસનું સંબોધન સમાવિષ્ટ છે. અન્ય સેશન્સમાં ગિફ્ટ સિટીના આઈએફએસસી દ્વારા ફંડ મેનેજમેન્ટની સંભાવના અનલોક કરવા અને બોર્ડરલેસ પોઝિશન્સ ઉભી કરવા પર ચર્ચા યોજાશે.
આ કાર્યક્રમમાં વક્તાઓનો એક વિશિષ્ટ વર્ગ પણ સામેલ થશે. આઈએફએસસીએના ચેરમેન કે. રાજારામન નીતિવિષયક દિશા નિર્દેશોની રૂપરેખા આપશે, જ્યારે અલ્કેમી ઈન્વેસ્ટમેન્ટ મેનેજમેન્ટ એલએલપીના હિરેન વેદ ભારતની વૈશ્વિક અપીલ પર આંતરદ્રષ્ટિ રજૂ કરશે. ગિફ્ટ સિટી, આઈએફએસસીએ, એક્સિસ એએમસી, મિરે એસેટ, નિયો એસેટ, ફિલિપ વેન્ચર્સ આઈએફએસસી, એચડીએફસી એએમસી,સ્ટેપટ્રેડ કેપિટલ, ડેલોઇટ, બેઝિઝ ફંડ સર્વિસીઝ વગેરેના નિષ્ણાંતો ક્રોસ બોર્ડર રોકાણો, વૈશ્વિક મલ્ટી-એસેટ ફાળવણી, ફેમિલી ઓફિસ વ્યૂહરચનાઓ, સારી રીતે વૈવિધ્યસભર પોર્ટફોલિયો, એસએમઈ ઇકોસિસ્ટમ, ડીપ ટેક ફંડ વહીવટ, નિયમનકારી સક્ષમકર્તાઓ અને અન્ય વિષયો પર ચર્ચા કરશે.
આ કોન્ક્લેવ ભારતના ક્રોસ-બોર્ડર વેલ્થ ક્રિએશન માટે ગિફ્ટ સિટીને પસંદગીના પ્રવેશદ્વાર તરીકે સ્થાપિત કરવાની યાત્રામાં એક સીમાચિહ્નરૂપ છે. સ્પષ્ટ નિયમનકારી માળખું, કર કાર્યક્ષમતા અને વધતી જતી વૈશ્વિક ભાગીદારી સાથે ગિફ્ટ સિટી આગામી ગ્લોબલ ફંડ મેનેજમેન્ટ હબ તરીકે ઉભરી આવવા માટે તૈયાર છે.
