સાણંદ ઔદ્યોગિક વસાહતમાં કાર્યરત નેશનલ અને મલ્ટીનેશનલ કંપનીઓ માટે સુવિધાઓમાં વધારો કરવાના ઉદ્દેશથી, હોટલ નિર્માણ માટે પ્લોટની હરાજી પૂર્ણ કરવામાં આવી છે. સાણંદ-2 ઔદ્યોગિક વસાહતમાં 20168.54 ચોરસ મીટર (અંદાજિત 5 એકર) જેટલો પ્લોટ વિશેષ રીતે પ્રીમિયમ હોટલ નિર્માણ માટે રિઝર્વ કરવામાં આવ્યો હતો જેની હરાજી 22 ડિસેમ્બર 2025ના રોજ પૂર્ણ કરવામાં આવી છે.


ફાઈવ સ્ટાર હોટલ નિર્માણની કામગીરી પ્રગતિમાં

આ ઈ-હરાજીમાં મહત્તમ બીડ સાથેના ડેવલપરને નિયમોનુસાર પ્લૉટની ફાળવણી કરવામાં આવી છે. 3થી 5 સ્ટાર હોટલના નિર્માણની કામગીરી શરૂ કરવા માટે કંપનીને ચાર વર્ષનો મોરિટોરિયમ પીરિયડ આપવામાં આવ્યો છે. આ હોટલ સિવાય સાણંદ ઔદ્યોગિક વસાહતની 3 કિલોમીટર નજીક એક ફાઈવ સ્ટાર હોટલ નિર્માણની કામગીરી પણ પ્રગતિમાં છે. 28 ફેબ્રુઆરી 2026ના રોજ સાણંદ ઔદ્યોગિક વસાહતમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી માઇક્રોન ટેક્નોલોજીના અદ્યતન સેમિકન્ડક્ટર પ્લાન્ટનો શુભારંભ કરાવશે.

ઉદ્યોગોનો સતત વિકાસ થઈ રહ્યો છે

આ પ્રકારની વિવિધ મલ્ટીનેશનલ કંપનીઓની હાજરી હોવાથી, અહીં મુલાકાતે આવતા ડેલિગેટ્સ અને કર્મચારીઓને રહેવા માટે આ હોટલની સુવિધા મહત્વપૂર્ણ બનશે. રાજ્યમાં ઉદ્યોગોની જરૂરિયાતને અનુરૂપ સામાજિક ઈન્ફ્રાસ્ટ્રક્ચર નિર્માણ માટે પણ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં સઘન પ્રયાસો ચાલી રહ્યા છે. સાણંદ ઔદ્યોગિક વસાહતમાં ઉદ્યોગોની સુવિધા માટે અત્યાધુનિક ઈન્ફ્રાસ્ટ્રક્ચરનું નિર્માણ કરવામાં આવ્યું છે. અહીં ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને સુવ્યવસ્થિત કનેક્ટિવિટી હોવાથી ઉદ્યોગોનો સતત વિકાસ થઈ રહ્યો છે.

અત્યારે સાણંદ ઔદ્યોગિક વસાહતમાં 1150 ઔદ્યોગિક એકમો કાર્યરત છે. સાણંદમાં મહિલાઓ માટે સમર્પિત મહિલા ઔદ્યોગિક પાર્ક બનાવવામાં આવ્યો છે, જેના દ્વારા મહિલાઓને સશક્ત બનાવવાના પ્રયાસ કરવામાં આવી રહ્યા છે. રાજ્ય સરકારે ઉદ્યોગો માટે અનુકૂળ નીતિઓ બનાવીને ઇઝ ઓફ ડૂઇંગ બિઝનેસના વિઝનને ચરિતાર્થ કર્યું છે.

આ પણ વાંચો: Sanand: માઈક્રોનનો મેગા સેમિકન્ડક્ટર પ્લાન્ટ AI ટેક્નોલોજીના ભવિષ્યને સશક્ત બનાવશે


  • Follow us on: