શેરબજારમાં રોકાણ કરવા માટે લોકોમાં જબરદસ્ત ક્રેઝ વધી રહ્યો છે. યુવાનો અને મહિલાઓ પણ શેરબજારમાં રોકાણ કરી રહ્યાં છે. ત્યારે શેરબજારમાં ગુજરાતીઓની ભાગીદારી વધી છે. હંમેશા બિઝનેસને મહત્વ આપતા ગુજરાતીઓ હવે શેરબજારમાં પણ અગ્રેસર થયાં છે. શેર માર્કેટમાં દેશમાં ઉત્તર પ્રદેશ અને મહારાષ્ટ્ર બાદ ગુજરાતે ત્રીજુ સ્થાન પ્રાપ્ત કર્યું છે.
ભારતમાં રોકાણકારોની સંખ્યા 11.5 કરોડની નજીક પહોંચી ગઈ
શેરમાર્કેટમાં ગુજરાતીઓની ભાગીદારી દિવસે દિવસે વધી રહી છે. બિઝનેસને મહત્વ આપતા ગુજરાતીઓ હવે શેર માર્કેટમાં પણ અગ્રેસર થયાં છે. મહિલાઓ અને યુવાનોની ભાગીદારીથી ગુજરાત શેર માર્કેટમાં રોકાણ મુદ્દે આગળ વધી રહ્યું છે. નેશનલ સ્ટોક એક્સચેન્જના રિપોર્ટ પ્રમાણે શેરબજારમાં દેશના કુલ રોકાણકારોમાં 36 ટકા રોકાણકારો માત્ર ત્રણ રાજ્યોમાં છે. ભારતમાં રોકાણકારોની સંખ્યા 11.5 કરોડની નજીક પહોંચી ગઈ છે. જેમાં ઉત્તર ભારત 4.2 કરોડ નોંધાયેલા રોકાણકારો સાથે મોખરે છે.
ગુજરાત એક કરોડનો આંકડો પાર કરનારુ ત્રીજુ રાજ્ય બની ગયું
આ ઉપરાંત દેશના પશ્ચિમ ભાગમાં 3.5 કરોડ રોકાણકારો છે. દક્ષિણ ભાગમાં 2.4 કરોડ રોકાણકારો છે. જ્યારે પૂર્વ ભાગમાં 1.4 કરોડ રોકાણકારો છે. ગુજરાત હવે નોંધાયેલા રોકાણકારોમાં એક કરોડનો આંકડો પાર કરનારુ ત્રીજુ રાજ્ય બની ગયું છે. છેલ્લા એક વર્ષમાં ઉત્તર પૂર્વ ભારતમાં રોકાણકારોની સંખ્યામાં વૃદ્ધિ થઈ છે. ઉત્તર ભારતમાં 24 અને પૂર્વ ભારતમાં 23 ટકા વૃદ્ધિ થઈ છે.
ગુજરાત સરકારની માલિકીની કંપનીઓનો શેરબજારમાં ડંકો
ગુજરાત સરકારની કંપનીઓ પણ શેરમાર્કેટમાં આગળ વધી છે. ગુજરાતમાં રાજ્ય સરકારની માલિકીની કંપનીઓએ શેરબજારમાં પોતાનો ડંકો વગાડ્યો છે.સૌથી ટોચ પર ગુજરાત મિનરલ ડેવલપમેન્ટ કોર્પોરેશન (GMDC) છે, જેણે 55.23%નો જબરદસ્ત વધારો નોંધાવ્યો, અને તેના શેરનો ભાવ ₹265.35 થી વધીને ₹411.90 થયો. ત્યારબાદ બીજા સ્થાને ગુજરાત ઇન્ડસ્ટ્રિયલ પાવર કંપની લિમિટેડ (GIPCL) એ 21.31%નો મજબૂત વધારો નોંધાવ્યો, જેનો શેરભાવ ₹180.20 થી વધીને ₹218.60 થયો છે. ત્યારબાદ ગુજરાત સ્ટેટ ફર્ટિલાઇઝર્સ એન્ડ કેમિકલ્સ લિમિટેડ (GSFC) એ 15.31% નો વધારો નોંધાવ્યો, જેના શેરનો ભાવ ₹177.30 થી વધીને ₹204.45 થયો, જ્યારે ગુજરાત ગેસ લિમિટેડની શેરની કિંમતમાં 14.30% નો વધારો જોવા મળ્યો, જે ₹412.60 થી વધીને ₹471.60 થયો છે.