દશામાં વ્રતની પૂર્ણાહુતિ થતા નાની મોટી સેંકડો પ્રતિમાઓનું તીર્થક્ષેત્ર ચાંદોદ ખાતે નર્મદા નદીમાં શ્રાદ્ધાભેર વિસર્જન કરાયું હતું. શનિવારે જાગરણની રાતથી રવિવાર વહેલી સવાર સુધીમાં જિલ્લાભરમાંથી મોટી સંખ્યામાં માતાજીની સવારીઓ નદી કિનારે વિસર્જન અર્થે આવી પહોંચી હતી.
પવિત્ર શ્રાવણ માસના પ્રારંભ સાથેજ દશામાંના દસ દિવસીય વ્રતની શરૂઆત થઈ હોય માઈ ભક્તો દ્વારા ઘરે નાની મોટી પ્રતિમાઓનું સ્થાપન કરાયું હતું. ભક્તિ ભાવ પૂર્વક પૂજન અર્ચન અને નિયમિત કથા વાંચન સાથે ભાવિકો દ્વારા દશામાની આરાધના લીન બન્યા હતા. 2 ઓગસ્ટને શનિવારે દશામાંના દસ દિવસીય વ્રત જાગરણની રાત્રી હોય ઉપરાંત દશામાંની પ્રતિમાઓને પવિત્ર જળમાં વિસર્જન કરવાનું મહાત્મ્ય હોવાથી જાગરણની રાત્રીથી જ જિલ્લાભરમાંથી નાની મોટી પ્રતિમા સાથે ઢોલ ત્રાસાના સથવારે રવિવાર સવાર સુધી સવારીઓની ચહલ પહલ રહી હતી. ચાંદોદના મુખ્ય માર્ગો પર માતાજીની નાની મોટી પ્રતિમાઓ સાથેની સવારીઓ આકર્ષણનું કેન્દ્ર બની હતી. પ્રસિદ્ધ મલ્હાર રાવ ઘાટના કિનારે પ્રતિમા સાથેની સવારીઓ પહોંચતા ભાવિક ભક્તોએ દિવ્ય આરતી ઉતારી વ્રત દરમિયાન થયેલી ભૂલચૂકની માતાજી સમક્ષ ક્ષમાયાચના કરી નાવડી મારફ્તે શ્રાદ્ધાપૂર્વક પ્રતિમાઓનું વિસર્જન કર્યું હતું. ઉલ્લેખનીય છે કે, હાલ ચાંદોદ ખાતે નર્મદા નદીની જળ સપાટી વધુ છે. ત્યારે શાંતિપૂર્ણ રીતે પ્રતિમાઓનું વિસર્જન થાય અને કોઈ દુર્ઘટના ન સર્જાય તે માટે ચાંદોદ પોલીસ, ગ્રામ પંચાયત પરિવાર તેમજ નાવિક શ્રામજીવી મંડળ દ્વારા સફ્ળ વ્યવસ્થાપન જળવાયું હતું.










