છોટાઉદેપુર જિલ્લાના આદિવાસી વિદ્યાર્થીઓ અભ્યાસ મેળવવા માટે અથાગ મહેનત કરતા હોય છે. જીવનું જોખમ ખેડીને પણ અભ્યાસ કરી રહ્યાં છે. જેનો તાદ્રશ્ય પુરાવો કવાંટ તાલુકાના સૈડી વાસણ ગામમાં જોવા મળી રહ્યો છે કે જ્યાંના વિદ્યાર્થીઓ શિક્ષણની ભૂખ સંતોષવા દરરોજ રામી નદીનાં ધસમસતા પ્રવાહમાંથી પસાર થઈને શાળાએ જઈ રહ્યા છે. અને શિક્ષણ પણ મેળવી રહ્યાં છે.
હા આ વાત સાચી છે. કવાંટ તાલુકાના સૈડી વાસણ ગામના ડેલા ફળિયું, દેવ સાડલી ફળિયું, પાતીયાલા ફળિયું અને જામણ ફળિયાના લગભગ 100 જેટલા બાળકો અભ્યાસ કરવા માટે દરરોજ રામી નદીના ધસમસતા પ્રવાહમાંથી સવાર સાંજ પસાર થઈને શાળાએ જઈ રહ્યાં છે. અને અભ્યાસ કરી રહ્યા છે.
કવાંટ તાલુકાના સૈડી વાસણ ગામના આ ચાર ફળિયામાં લગભગ 1 હજાર કરતા પણ વધુની વસતી આવેલી છે. જેઓને દરરોજ ગામમાં આવવા જવા માટે ફરજિયાત રામી નદી પસાર કરવી પડે છે. રોજિંદા કામ માટે પણ ગ્રામજનોને જીવનું જોખમ ખેડવું પડી રહ્યું છે. ત્યારે ગામના બાળકોને અભ્યાસ માટે ફરજિયાત મળી પર કરવી પડી રહી છે. આ બાળકોની ચિંતા કરતા વાલીઓ પોતાના બાળકોને દરરોજ નદી પાર કરાવવા પોતે સવાર સાંજ જાય છે. જેના કારણે તેઓને ખેતી કામમાં પણ ખૂબ મુશ્કેલી પડી રહી છે. આટલું તો ઠીક પરંતુ જ્યારે કોઈ આ ચાર ફળિયામાં બીમાર પડે ત્યારે 108 પણ આવી શકતી નથી. ચોમાસામાં નદીમાં પાણી હોય ત્યારે ફરજિયાત પાણી ઓસરે તેની રાહ જોવી પડે છે. શાળાના બાળકોને તો રજા પાડવાની ફરજ પડે છે. નદીના પાણી ઓછા થાય ત્યારે પણ જીવનું જોખમ ખેડીને બાળકોને નદી પાર કરાવીને શાળાએ મોકલવા પડી રહ્યા છે.
સૈડી વાસણ ગામના આ ચાર ફળિયાના લોકો જાણે ગામથી વિખૂટા પડયા હોય તેવી સ્થિતિમાં રહેવા મજબૂર બન્યા છે. આ ચાર ફળિયામાં આટલી મોટી વસ્તી હોવા છતાં આંગણવાડી કે શાળાની વ્યવસ્થા ન હોવાના કારણે બાળકોને જીવનના જોખમે દરરોજ નદી પાર કરવી પડે છે. આ મામલે ધારાસભ્યને, સાંસદ રજૂઆત કરી હોવા છતાં જોઈ પરિણામ ન મળ્યું હોવાનું ગ્રામજનો જણાવી રહ્યા છે.
શાળામાં અભ્યાસ કરતા નાના બાળકો રોજ રામી નદી ઊતરીને જાય ત્યારે તેઓન ખૂબ ડર લાગે છે. અભ્યાસ માટે નિશાળે તો જવું જ પડે છે. પરંતુ બાળકોને અભ્યાસ માટે વાલીઓ પણ મુશ્કેલીમાં મુકાતા હોવાનું જણાવે છે. એક બાજુ સરકાર સૌ ભણે સૌ આગળ વધે ના નારા લગાવી રહી છે. પરંતુ સૈડી વાસણ ગામના ચાર ફળિયાના જનતાને રામી નદી પર એક પુલ ન બનાવી આપવાના કારણે દરરોજ લોકો જીવનું જોખમ ખેડી રહ્યા છે. અને નાના બાળકો જીવના જોખમે નદી પર કરીને અભ્યાસ કરી રહ્યા છે. ત્યારે તંત્ર આ બાળકોની વેદના તરફ નજર નાખીને પુલ બનાવે તેવી માંગ કરી રહ્યા છે.
ચોમાસામાં નદીના પાણી ઉતરે ત્યાં સુધી જોવી પડતી રાહ
અમારા બાળકોને ભણવા જવા માટે નદી ઉતરવી પડે છે. નિશાળ જતા સુધી ત્રણ જગ્યાએ ઉતરવાનું થાય છે.ચોમાસાનો દિવસ તો આ માટે રજૂઆત કરેલી છે. પણ કોઈ સુવિધા થતી નથી. સવારે મૂકવા જવાનું અને સાંજે લેવા જવાનું તો આદિવાસીઓ ભાઈઓ ખેતી કરે, મજૂરી કરવા ક્યાં સમયે જવાનું ? વધારે પાણી હોય તો બેસી રહેવું પડે. ત્યારે નિશાળનો સમય ચૂકી જવાય. બાળકો નદી પસાર કરે ત્યારે ડર લાગે અમારે મૂકવા જવું પડે છે. કોઈ બીમાર પડે ત્યારે બેસી રહેવું પડે કે ઝોળીમાં ઊંચકીને જવું પડે. અને મરી પણ જાય એનું નક્કી ના કહેવાય. અહીં કોઈ વાહન ઉતરે નહીં 108 તો શું કોઈ વાહન નથી આવતું.