છોટાઉદેપુર જિલ્લામાં ઝોળીમાં પ્રસૂતાને ઊંચકીને 108 સુધી પહોંચાડવાનો સિલસિલો ચાલું રહ્યો છે. ત્યારે આજે વધુ એક પડવાણી ગામની મહિલાને પ્રસૂતિની પીડા ઉપડતા બે કિલોમીટર દૂર ઉભેલી 108 સુધી લઈ ગયા હતા. છોટાઉદેપુર અંતરિયાળ, ડુંગરાળ અને વિકાસથી વંચિત જિલ્લો છે. જિલ્લામાં હજુ સુધી પાકા રસ્તાનો ઘણી જગ્યાએ અભાવ છે. જેને લઇને જિલ્લાની આદિવાસી જનતાને ભારે હાલાકી પડે છે. તેમાં ખાસ કરીને રસ્તા વિના પ્રસૂતા મહિલાને મુશ્કેલી પડે છે. કેટલીક વખત પ્રસૂતાના મોત પણ રસ્તામાં થયાના કિસ્સા બન્યા છે.


છોટાઉદેપુર જિલ્લામાં વિકાસ ઝોળીમાં હોય તેવું લાગી રહ્યું છે. છેલ્લા દસ દિવસમાં ત્રણ જગ્યાએ પ્રસૂતાને ઝોળીમાં ઊંચકીને 108 સુધી લઈ જવાઇ હતી. ત્યારે આજે વધુ એક ઘટના કવાંટ તાલુકાના પડવાણી ગામમાંથી સામે આવી છે. પડવાણી ગામના મેણ ગેદરિયા ફ્ળીયામાં રહેતી એક 22 વર્ષીય પ્રસૂતાને સવારના લગભગ 9 વાગ્યાના અરસામાં પ્રસૂતિની પિડા ઉપડી હતી. જેથી પરિવારજનો ચિંતામાં મુકાઈ ગયા હતા. ફ્ટાફ્ટ ખોલી બનાવીને પરિવારજનો તેમજ પડોશના લોકો પ્રસૂતાને ઝોળીમાં ઊંચકીને ચાલતા નીકળી પડયાં હતા. બીજી બાજુ બે કિલોમીટર દૂર પાકા રસ્તા પર 108 આવીને ઊભી રહે તે માટે 108ને કોલ કરી દીધો હતો. લગભગ અડધો કલાક સુધી પ્રસૂતાને ઝોળીમાં ઉંચકીને ચાલ્યા બાદ મુખ્ય પાકો રસ્તો આવ્યો હતો. જ્યાં 108 આવીને ઊભી હતી. જેમાં પ્રસૂતાને સુવડાવીને કવાંટ સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે ખસેડાઇ હતી. બાળકને જન્મ આપ્યો હતો.

પ્રસૂતાએ ક્વાંટ સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં બાળકને જન્મ આપ્યો

અમે સવારે અમારા ફળિયામાં રહેતી ઉર્ષીબેનને દુઃખાવો ઉપડતા ઝોળી બનાવીને ઘરના લોકો અને પડોશીઓ બે કિ.મી દૂર રોડ પર ઉભેલી 108 સુધી લઈ ગયા હતા. ત્યાંથી કવાંટ સામૂહિક આરોગ્યકેન્દ્ર ખાતે લઈ ગયા હતા. જ્યાં તેમણે બાળકને જન્મ આપ્યો છે. - નારજીભાઈ ભીલ, પ્રસૂતાને ઝોળીમાં ઉંચકીને લઈ આવનારા પડોશી, પડવાણી


  • Follow us on: