છોટાઉદેપુર જિલ્લાના નસવાડી તાલુકાના અંતરિયાળ વિસ્તારમાં હરખોડ ગામમાં ધો.1થી 5 ની પ્રાથમિક શાળા આવેલી છે. જેમાં 54 વિદ્યાર્થી અભ્યાસ કરે છે. આ ઇમારત વહેલી સવારે ધરાશાયી થઈ હતી. સદ્ભાગ્યે ઘટના સવારના સમયે બની હોવાને કારણે કોઈ જાનહાનિ થઈ નથી.
હરખોડ ગામની પ્રા. શાળાની બિલ્ડિંગ લાંબા સમયથી જર્જરિત હાલતમાં હતી. ગામલોકો અને શિક્ષકો દ્વારા તાલુકા તેમજ જિલ્લા શિક્ષણ વિભાગને અનેકવાર લેખિત અને મૌખિક રજૂઆતો કરાઇ હતી કે, શાળાનું મકાન મરામત કરાવવું કે નવી ઇમારત બાંધવી જોઈએ. તેમ છતાં અધિકારી તંત્ર તરફ્થી કોઈ પગલા લેવામાં આવ્યા નહોતા. વહેલી સવારે અચાનક શાળાની દીવાલો અને છાપરું ધરાશાયી થયું હતું. જો આ ઘટના દિવસ દરમિયાન જ્યારે બાળકો શાળા ખાતે હાજર હોય ત્યારે બની હોત તો, મોટી દુર્ઘટના સર્જાઈ હોત. હવે પ્રશ્ન એ ઊભો થયો છે કે, બાળકોના અભ્યાસ માટે શાળા ક્યાં ચલાવાશે ? ગામલોકો દ્વારા તાત્કાલિક વૈકલ્પિક વ્યવસ્થા કરવાની માંગણી કરવામાં આવી રહી છે. શાળાની નવી ઈમારત બાંધવાની પ્રક્રિયા ઝડપે શરૂ થાય તેમજ બાળકોની સુરક્ષા સુનિશ્ચિત થાય તેવી માગ ઉઠી છે. આદિવાસી વિસ્તારમાં શિક્ષણની સ્થિતિ કથળી છે.










