પાવીજેતપુર નગરના મધ્યમાંથી પસાર થતા નેશનલ હાઇવે નંબર 56 પરનું ત્રણ મહિનાથી વધુ સમયથી ક્ષતિગ્રસ્ત નાળું આખરે તંત્ર દ્વારા કામચલાઉ ધોરણે રીપેર કરી દેવાયું છે.
25મી જૂનના રોજ ભારે વરસાદને કારણે આ નાળાની દીવાલ ધસી પડયા બાદ સતત ત્રણ મહિનાથી બંધ રહેલા ભારદારી વાહનોની અવરજવર હવે ફરી શરૂ થતાં સ્થાનિક જનતા અને વેપારીઓએ રાહતનો શ્વાસ લીધો છે.જૂન મહિનામાં નાળું ક્ષતિગ્રસ્ત થયા બાદ તંત્રે તાત્કાલિક ભારદારી વાહનોની અવરજવર બંધ કરાવી હતી. ત્યારબાદ લાંબા સમય સુધી રિપેર ન થતાં પાવીજેતપુરનો છોટાઉદેપુર તરફ્નું કનેક્શન તૂટી ગયુ હતું, બોડેલી તરફ ભારજ નદી પરનો બ્રિજ અને ડાયવર્ઝન તૂટયાં હોવાને કારણે સ્થાનિક વેપાર-ધંધા ભાંગી પડયા હતા. સ્થાનિકોના પ્રશ્નો અને આંદોલનની ધમકી બાદ તંત્રે આખરે કામચલાઉ સમારકામ હાથ ધર્યું હતું. વસવા નદી નજીક આવેલું અને વર્ષો જૂનું ઇંટોનું બનેલું આ નાળું તાત્કાલિક ધોરણે સંપૂર્ણપણે પુનઃનિર્માણ કરવું શક્ય ન હોવાથી હાલ પૂરતું યુદ્ધના ધોરણે તેને નીચે પાઇપો નાખી, નીચેથી સપોર્ટ આપીને અને ધસી પડેલા ભાગને કામચલાઉ રીતે મજબૂત કરીને ભારદારી વાહનોની અવરજવર માટે ખુલ્લું મૂકાયું છે. તંત્રના આ નિર્ણયથી લાંબા સમયથી હાલાકી ભોગવી રહેલા વેપારીઓ અને મુસાફરોને મોટી રાહત મળી છે. જોકે, આ માત્ર કામચલાઉ સમારકામ હોવાથી, નાળાના કાયમી અને નક્કર પુનઃનિર્માણની કામગીરી વહેલી તકે શરૂ કરવા પાવીજેતપુરની જનતા દ્વારા હજુ પણ માગ કરાઇ રહી છે. જેથી ભવિષ્યમાં આ પ્રકારની સમસ્યા ન સર્જાય. નાળાની બંને બાજુ મૂકેલા બેરીકેડ હજુ હટાવવામાં ના આવતા તે અંગે સંબંધિત અધિકારીને પૂછતા તેઓએ જણાવ્યું હતું કે પોલીસ વિભાગને જાણ કરી દીધી છે. સાંજ સુધી બેરીકેડ ખસી જશે.










