છોટાઉદેપુર જિલ્લાની ખેતીકામ અને મજૂરીકામ કરી જીવન જીવતી બહેનોને ઘર આંગણે રોજગારી મળી રહે તે માટે વર્ષ 2004 માં છોટાઉદેપુર જિલ્લાના કવાંટ તાલુકાના ભેખડીયા ગામ ખાતે ભેખડીયા ગ્રુપ મહિલા વિકાસ ગૃહ ઉદ્યોગ સહકારી મંડળી લી.અસ્થિત્વમાં આવી હતી. આ સહકારી મંડળી દ્વારા સ્થાનિક બહેનોને અંબર ચરખા દ્વારા આવક મળે તે માટે ગોંડલની ઉદ્યોગ ભારતી સંસ્થા સાથે કરાર કરવામાં આવ્યા હતા. આ મંડળી થકી વર્ષ 2007થી અત્યાર સુધીમાં અંબર ચરખા દ્વારા ખાદી વણાટ કરીને આ વિસ્તારની આદિવાસી મહિલાઓએ રૂ.3 કરોડથી વધુની કમાણી કરી છે.
છોટાઉદેપુર જિલ્લા માહિતી અધિકારી માર્ગી રાજપુતે જણાવ્યું હતું કે આઝાદીના સમયમાં જે ચરખો ખાદી વણાટની સાથે દેશભક્તિનું પ્રતિક બન્યો હતો. તે જ ચરખો આજે છોટાઉદેપુર જિલ્લાની બહેનો માટે આત્મનિર્ભરતાનું માધ્યમ બન્યો છે. આ ચરખાના કારણે બે દાયકા કરતાં પણ ઓછા સમયમાં એટલે કે 2007 થી અત્યાર સુધીમાં છોટાઉદેપુર જિલ્લાના ભેખડીયા, જાંબા, ચિપોણ ગામની 100 જેટલી બહેનોએ ભેખડીયા ગ્રુપ મહિલા વિકાસ ગૃહ ઉદ્યોગ સહકારી મંડળી લી.ના માધ્યમથી રૂપિયા 3 કરોડ જેટલી માતબર રકમ રોજગારી પેટે મેળવી છે.
7 ચરખાથી શરૂઆત કરી હતી આજે 100 ચરખા છે
ભેખડીયા ગ્રુપ મહિલા વિકાસ ગૃહ ઉદ્યોગ સહકારી મંડળી લી ના મંત્રી ગીતાબહેન રાઠવાએ જણાવ્યું હતુ કે, ભેખડીયા, જાંબા, ચિપોણ એમ ત્રણ ગામની ભેગી સહકારી મંડળીમા વર્ષ 2007માં 7 અંબર ચરખા લાવી બહેનોને તાલીમ આપવાની શરૂઆત કરવામાં આવી હતી. તાલીમાર્થી બહેનોને જોઇને બીજા બહેનો આવ્યા એટલે બીજા 25 અંબર ચરખા લાવવામાં આવ્યા. આમ 2010માં અમારી પાસે 100 અંબર ચરખા થયા. શરૂઆતમાં સહકારી મંડળીની ઓફ્સિે બેસીને બહેનો અંબર ચરખા ચવાલતી. પરંતુ બહેનોની સંખ્યા વધતા તેમની રજૂઆતને ધ્યાને રાખી અમે તમામ બહેનોને ઘરે અંબર ચરખા આપ્યા. જેના કારણે આદીવાસી બહેનો સહકારી મંડળીની ઓફ્સિથી વજન કરી કાચો માલ લઇ જાય અને કોન બની જાય એટલે ઓફ્સિ પર આવી તોલ કરાવી જમા કરાવે છે. તૈયાર કોન એસ.ટી.બસ દ્વારા અમે ગોંડલની ઉદ્યોગ ભારતી સંસ્થાને મોકલીએ છીએ.
ચરખાની આવકમાંથી ઘર-ટ્રેક્ટર વસાવ્યા
મંડળીના પ્રમુખ વીનાબહેન કહે છે કે, ઉદ્યોગ ભારતી ગોંડલ દ્વારા દર ત્રણ મહિને તેમના ખાતામાં રકમ જમા કરવામાં આવે છે. અંબર ચરખાની આ આવકમાંથી બહેનોએ પાકા ઘર બનાવ્યા છે, ખેતરમાં બોર બનાવ્યા છે, ખેતી માટે ટ્રેકટર લીધુ છે, બાળકોની સ્કુલ અને કોલેજની ફી ભરી. તેમના પરિવારના ઘરકામ, ખેતીકામ અને સામાજીક પ્રસંગો સાચવીને અંબર ચરખા દ્વારા આત્મનિર્ભર બની છે.