છોટાઉદેપુર પંથકમાં હાલ ખાતરની ભારે અછત જોવા મળે છે. જિલ્લાના રાઠ વિસ્તારમાં રંગપુર ખાતે સવારથી જ ખાતર લેવા માટે લાઇનો જોવા મળી હતી. આ લાઇન મંડળીના મકાનથી હાઈવે સુધી લાંબી જણાઈ રહી હતી.રંગપુર ખાતે આવેલી શ્રી રંગપુર (ઝોઝ) મોટા કદની ખેતી વિષયક વિવિધ ગામોની સહકારી મંડળી ખાતે આજરોજ મોડીરાતે 3 વાગ્યાથી ખેડૂતોની લાંબી લાઇનો લાગી હતી. એક તરફ ખેતીમાં અગાઉ આવેલા માવઠાને કારણે ભારે નુકસાન ગયું હોય જ્યારે બીજી તરફ ખાતરની અછતથી ધરતીપુત્રો મૂંઝવણમાં મુકાયા છે.
રંગપુર વિસ્તારમાં એક જ મંડળી હોય 44 જેટલા ગામના ખેડૂત અહીં ખાતર લેવા આવે છે. પરતું માંડ માંડ 5-7 દિવસમાં એકાદ બે ગાડી આવતી હોય ખેડૂતને ખાલી હાથ જવું પડે છે. માંડ થોડાક ખેડૂતોને ખાતર મળે ત્યાં તો ખાતર ખૂટી જાય છે. દિવસ આખો બગાડયાં પછી પણ ખેડૂતોને વિલા મોઢે ખાતર વગર પરત ફરવાનો વારો આવે છે. ખેડૂતોએ જણાવ્યું હતું કે, વિસ્તારમાં દરેક સિઝનમાં ખાતરની અછત રહે છે. હાલ શિયાળુ પાક માટે ઘણાં દિવસોથી રોજ ધક્કા ખાવા છતાં ખાતર મળતું નથી. મંડળીના સંચાલકો કહે છે કે, અમોએ ઉપર માંગણી કરી છે. આવશે એટલે, આપીશું તેવા વાયદા કરે છે. ખેડૂતો ખાતર સમયસર અને પૂરતું મળે તેવી માંગ કરી રહ્યાં છે. છોટાઉદેપુર જિલ્લાના રંગપુર ગામે મળસ્કે ત્રણ વાગ્યાથી કડકડતી ઠંડીમાં ખાતર મેળવવા માટે ખેડૂતોની કતાર જામી હતી. જે હાઇવે સુધી ફેલાઇ ગઇ હતી. જૂજ ખેડૂતોને ખાતર મળતા રોષ ફેલાયો હતો.










