બોડેલી સહિત સમગ્ર છોટાઉદેપુર જિલ્લામાં સમી સાંજે સાડા પાંચ વાગે વાવાઝોડા સાથે વરસાદ પડતા ચોમાસાની જમાવટ જેવો માહોલ સર્જાયો હતો. આકાશમાં કાળા ડિબાંગ વાદળો એ ઘેરાબંધી કરી હતી. વીજળીના ચમકારા અને કડાકા ભડાકા સાથે જોરદાર વરસાદ ખાબકતા બજારોમાં વરસાદથી બચવા અને માલ સામાન ઢાંકવા માટે સર્જાતી હતી. ખેડૂતોને પણ વગર નોટીસે ઓચિંતા પડેલા વરસાદને લીધે વ્યાપક યાતનાઓ ભોગવવી પડી હતી.


પ્રી મોનસુનની કામગીરી માટે કલેકટર ની સૂચનાને લીધે બોડેલીમાં વરસાદી પાણી નિકાલ માટે કોતરમાં પહેલેથી જ વ્યવસ્થા થઈ ગયેલી હોવાથી વરસાદી પાણી કોતરોમાં થઈ નદીમાં ઠલવાયા હતા. જો કે અલીપુરા વિસ્તારમાં ગોપાલ સિનેમા પાસે તોતિંગ હોર્ડીંગ વીજવાયરો ઉપર પડતા કલાકો સુધી વીજપુરવઠો ખોરવાયો હતો. મોડાસર ચોકડી પાસે તોતિંગ વૃક્ષ ધરાશાયી થતા હાઇવે ઉપર ટ્રાફિક જામ સર્જાયો હતો. જબુગામ સહિત સંખેડા પંથકમાં પણ ધોધમાર વરસાદને લઇ વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઇ હતી. આખા દિવસના ઉકળાટ બાદ મોડી સાંજે અચાનક મેઘમહેર થતાં લોકોને રાહત થઈ હતી. જ્યારે ખેડૂતોએ વરસાદના વધામણા કર્યા હતા. જે સાથે તાલુકામાં કેળના પાકને નુકસાન થયાના અહેવાલ પ્રાપ્ત થયા છે.

ક્વાંટમાં બપોર બાદ અચાનક વાતાવરણમાં પલટા સાથે ગાજવીજ સાથે વરસાદ

ક્વાંટ : કવાંટ તાલુકામાં બપોરના 4.30 કલાકે અચાનક આકાશમાં કાળા વાદળોની ફોજ ઉમટી પડી હતી. તેજ પવન અને ગાજવીજ સાથે કવાંટમાં વરસાદ પડતા લોકોને ગરમીથી રાહત મળી હતી. સાથે ભૂલકાંઓ સાથે મોટેરાએ પણ વરસાદની મજા માણી હતી. આશરે 25 મિનિટ સુધી પડેલા ધોધમાર પડેલા વરસાદને કારણે નગરના રસ્તા પર પાણી વહેવા લાગ્યા હતા. ઠંડક પ્રસરી ગઇ હતી.

નસવાડીમાં ચોમાસાનો વાવાઝોડા વરસાદ સાથે પ્રારંભ

નસવાડી : છેલ્લા ઘણા દિવસોથી અસહ્ય ગરમી વચ્ચે આખરે નસવાડી તાલુકામાં ચોમાસાનો પ્રારંભ થયો છે. શનિવારના રોજ મોડી સાંજે વાતાવરણમાં પલટો આવી જતા ધીમા વેગીલા પવનો સાથે વાદળછાયા વાતાવરણમાં વાવાઝોડા જેવી પરિસ્થિતિ સર્જાઈ હતી. ત્યારબાદ મોડી સાંજે ધોધમાર વરસાદ ખાબક્યો હતો. નસવાડી તાલુકાના ચુનાખાણ ગામે વાવાઝોડામાં અનેક મકાનોના છાપરા ઉડી ગયા હતા. જ્યારે ઝેરગામે મકાનની દીવાલો ધરાશાયી થઇ જતા આદિવાસી પરિવારે છત્રછાયા ગુમાવી દીધી હતી.


  • Follow us on: