આજરોજ અષાઢી બીજ હોય ત્યારે ભગવાન જગન્નાથની ભક્તિમાં લીન થવાનું ભક્તો ચૂકતા નથી. જેના ભાગરૂપે છોટાઉદેપુર નગરમાં આજરોજ રણછોડરાયભક્ત મંડળ અને જગન્નાથ રથયાત્રા સમિતિ દ્વારા 10મી રથયાત્રાનું ભવ્ય આયોજન કરાયું હતું.
આજરોજ તા.27 જુને લાઇબ્રેરી રોડ રણછોડરાય મંદિર ખાતેથી બપોરે 1 કલાકની આસપાસ ભગવાન જગન્નાથ નગરચર્યાએ ધામધૂમથી નીકળ્યા હતા. રથયાત્રામાં આકર્ષક 4 ઘોડા, 5 બગી, 1 બેન્ડવાજા, 2 ડીજે, ભજન સંધ્યાની ટીમ, 10 ટ્રેક્ટરમાં વિવિધ ધાર્મિક ઝાંખીઓ, નાસિક ઢોલ, ડ્રોન હેલિકોપ્ટર દ્વારા ભગવાન ઉપર પુષ્પવર્ષા સહિત મગ અને જાંબુ તથા શિરો અને કેળાના પ્રસાદનું વિતરણ કરાયું હતું. રથયાત્રાની પહિંદવિધિ નગરપાલિકા પ્રમુખ મંજુલાબેન કોલીએ કરી હતી. રથને પ્રસ્થાન લોકસભા સાંસદ જશુભાઈ રાઠવાએ કરાવ્યું હતું. ભગવાનને રથમાં બિરાજમાન ભાણાભાઈ ઠક્કર દ્વારા કરાવ્યા હતા. જ્યારે ફૂલહાર વિધિ રાકેશભાઈ પટેલ દ્વારા કરાઇ હતી. મહાઆરતીનું આયોજન વંદનભાઈ પંડયા દ્વારા કરાયું હતું. નગરનું વાતાવરણ જય જગન્નાથ, જય રણછોડ માખણ ચોરના ગગનભેદી નાદ સાથે ગુંજી ઉઠયું હતું.










