પાવીજેતપુર તાલુકાના સુખી ડેમ વિસ્તારમાં વરસાદ વરસતા ડેમના 2 દરવાજા 30 સેમી ખોલી કુલ 2000 ક્યુસેક જેટલું પાણી છોડવામાં આવી રહ્યું છે.


પાવીજેતપુર પંથકમાં ગતરાત્રિએ મેઘાની ધમાકેદાર પધરામણી થવાના કારણે તેમજ સુખી જળાશયના સ્ત્રાવ વિસ્તારમાં ઉપરવાસમાં વરસાદનું પ્રમાણ વધુ રહેતા સુખી ડેમનું લેવલ 147.32 મીટર થતાં તેમજ સુખી ડેમ 93% જેટલો ભરાઇ ગયું હતું. ડેમનું રૂલ લેવલ 147.07 જેટલું જાળવી રાખવાનું હોવાથી શુક્રવારે રાત્રે 5 નંબરનો દરવાજો 15 સેમી ખુલ્લો કરાયો હતો. તેને વધુ 15સેમી ખોલીને કુલ 30 સેમી ખોલવામાં આવ્યો હતો. જ્યારે 6 નંબરનો સુખી ડેમનો દરવાજો 30સેમી જેટલો ખોલીને કુલ 2 ગેટ ખોલીને 2029.90 ક્યુસેક પાણી છોડાયું હતું.

ડેમનું પાણી છોડાતા ડેમના કિનારાના ગામો એવા મોટીબેઝ, અમાદર, વાઘવા, કિકાવાડા, હુડ, ડુંડ-વદેશીયા, મોટી રાસ્લી, ઘુંટીયા, નાનીબેઝ, ઠલકી, નાની રાસ્લી, સીથોલ, ડુંગરવાટ, ખાંડિયા, કોલીયારી, લોઢણ, ગંભીરપુરા, ઘુંટણવડ, પાલીયા, સજોદ, સિહોદ વગેરે 18 જેટલા ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે. આમ, પાવીજેતપુર તાલુકાના સુખી ડેમમાંથી 2029.90 ક્યુસેક પાણી છોડાતાં પાવીજેતપુર નજીક આવેલ જનતા ડાયવર્ઝન સંપૂર્ણ ધોવાયો હતો.


  • Follow us on: