છોટાઉદેપુર અને તેની આસપાસના ગ્રામ્ય પંથકોમાંથી એક અત્યંત શરમજનક અને હચમચાવનારી ઘટના સામે આવી છે. સમાજમાં નાની વયની અર્થાત 10 થી 15 કે 18 વર્ષની સગીરાઓ અને યુવતીઓને અન્ય સમાજમાં રૂ. 30,000 થી લઈને રૂ. 1.5 લાખ સુધીની માતબર રકમમાં વેચી દેવામાં આવતી હોવાનો ગંભીર ખુલાસો થયો છે. આ પ્રકારના ગેરકાયદે વ્યવહારો સામે આવતા સ્થાનિક યુવાનોમાં ભારે રોષ અને આક્રોશ ફેલાયો છે.
કયા ગામોમાં ચાલે છે આ કાળો કારોબાર?
પ્રાપ્ત વિગતો અનુસાર, છોટાઉદેપુર આસપાસના ખાસ કરીને જોત્સડ, બેડા, બોલ્ડિયા, અદાજ, દોતા અને કાંઠા જેવા કેટલાક ગામોમાં આ રીતે યુવતીઓનું વેચાણ થતું હોવાનું સામે આવ્યું છે. અગાઉ આ સમગ્ર બાબતમાં એજન્ટો દલાલી કરતા હતા, પરંતુ હવે પરિસ્થિતિ વધુ બદતર બની છે, જ્યાં દીકરીઓને "તમને બહાર સારું જીવન અને સુખ મળશે" તેવી મિથ્યા લાલચો આપીને ફસાવવામાં આવે છે. મોટે ભાગે માતા-પિતાના કહેવાથી અથવા અન્ય માધ્યમો દ્વારા આ ગુનાહિત વ્યવહારો અંજામ પામે છે.
"આ પ્રથા હવે સદંતરમાં બંધ થવી જોઈએ"
આ ગેરકાયદે પ્રથા સામે અવાજ ઉઠાવતા યુવાનોએ રોષ વ્યક્ત કર્યો છે કે, જો આ અનિષ્ટ પ્રથા વહેલી તકે બંધ નહીં થાય, તો આગામી સમયમાં તેમના ગામની દીકરીઓ બહાર જતી રહેશે અને સ્થાનિક યુવકો માટે લગ્ન કરવા મુશ્કેલ બની જશે. પટેલ, કોળી, પટેલ, ચૌધરી, ઠાકોર, પ્રજાપતિ સહિત અનેક સમાજો દ્વારા દીકરીઓને લઈ જવામાં આવતી હોવાની ચર્ચાઓ વચ્ચે આ પ્રથા સમાજ માટે એક મોટો અભિશાપ બની રહી છે.
કડક કાનૂની કાર્યવાહી અને સામાજિક બહિષ્કારની માગ
સ્થાનિક યુવાનો અને જાગૃત નાગરિકોએ સરકાર અને વહીવટી તંત્ર સમક્ષ ઉગ્ર માગ કરી છે કે, આ પ્રકારની વેચાણ પ્રથા સામે તાત્કાલિક ધોરણે કડક પ્રતિબંધ મૂકવામાં આવે. આ પ્રકારના માનવ તસ્કરી અને ગેરકાયદે લગ્નોના વ્યવહારો કરનારા તમામ દલાલો અને જવાબદાર લોકોને કાયદાકીય કડક સજા થવી જોઈએ તેમજ આવા કૃત્ય કરનારા લોકોને સમાજમાંથી સંપૂર્ણપણે બહિષ્કૃત કરવામાં આવે તેવી માગ ઉઠી છે.
આ પણ વાંચો: ChhotaUdepur News : પાલિકામાં નવા પ્રમુખની વરણીના 3 દિવસમાં ભાજપમાં ભડકો, કામગીરી સામે અસંતોષ ચરમસીમાએ