ગુજરાતમાં વન્યજીવ પ્રેમીઓ માટે આનંદના અને સાથે જ વન વિભાગ માટે ભારે સાવચેતીના સમાચાર સામે આવ્યા છે. છોટાઉદેપુર જિલ્લાના વિવિધ જંગલ વિસ્તારોમાં એક નર વાઘના આંટાફેરા મારતા ફોટોગ્રાફ્સ સામે આવ્યા બાદ વન વિભાગે સમગ્ર વિસ્તારમાં ચુસ્ત મોનિટરિંગ શરૂ કર્યું છે.
દાહોદથી લઈને છોટાઉદેપુર સુધીના અંદાજે 120 કિમીની મુસાફરી
વન વિભાગની તાજી માહિતી અનુસાર, આ નર વાઘ છેલ્લા 17 મહિનાથી દાહોદથી લઈને છોટાઉદેપુર સુધીના અંદાજે 120 કિલોમીટરના જંગલ વિસ્તારમાં સતત વસવાટ કરી રહ્યો છે.
રતનમહાલ અભયારણ્ય વિસ્તારમાં વાઘ પ્રથમવાર નજરે પડ્યો
જંગલ ખાતા દ્વારા કરવામાં આવી રહેલા ટ્રેકિંગમાં સામે આવ્યું છે કે આ વાઘ ઝોઝ, રતનમહાલ અભયારણ્ય, કેવડી અને કુંડલ સહિતના ગીચ જંગલ વિસ્તારોમાં મુક્તપણે વિચરતો જોવા મળ્યો છે. અગાઉ ૨૨ એપ્રિલ, ૨૦૨૫ના રોજ રતનમહાલ અભયારણ્ય વિસ્તારમાં વાઘ પ્રથમવાર નજરે પડ્યો હતો. ત્યારબાદ પણ સમયાંતરે મળેલા તેના પગમાર્ક અને કૅમેરા ટ્રેપના પુરાવાઓના આધારે વન વિભાગ તેની સક્રિય હાજરી પર સતત નજર રાખી રહ્યું છે.

જંગલ નજીકના ગામોમાં ખાસ એલર્ટ જારી
વાઘની હાજરીને પગલે વન વિભાગ દ્વારા સરહદી અને જંગલ નજીકના ગામોમાં ખાસ એલર્ટ જારી કરવામાં આવ્યું છે. સ્થાનિક લોકોને જંગલ વિસ્તારમાં બિનજરૂરી અવરજવર ન કરવા તેમજ સુરક્ષાની દ્રષ્ટિએ કેવડી અને આસપાસના રસ્તાઓ પરથી પસાર થતાં વાહનચાલકોને પોતાના વાહનોની સ્પીડ મર્યાદિત રાખવા માટે કડક સૂચનાઓ આપવામાં આવી છે. વન વિભાગની ટીમ વાઘ અને સ્થાનિક ગ્રામજનો બંનેની સુરક્ષા સુનિશ્ચિત કરવા રાત-દિવસ સર્વેલન્સ કરી રહી છે.
આ પણ વાંચો : Sandesh Indepth : ગુજરાતમાં તો અલ-નીનોની અસર હતી તો પછી એવું શું થયું કે 14 કલાકમાં અનેક સ્થળે 16 ઇંચ વરસાદ ખાબક્યો?